તમે આતંકવાદી સાથે જોડાયેલા છો કહીને રૂપિયા માંગ્યા હતા
નકલી પોલીસ કે સીબીઆઈ ઓફિસર બનીને વીડીયો કોલ કરી ડીજીટલ અરેસ્ટ કરનારા સામે સરકારે કોલર ટયુન મુકીને નાગરીકોને સાવધ રહેવા માટે કમર કસી છે. બીજી તરફ સાયબર માફીયાઓ હજુ પણ આ જ પેટર્નથી નાગરીકોને ભોગ બનાવી રહ્યા છે. આવી જ એક ઘટનામાં મણિનગરમાં રહેતા વૃદ્ધને ડીજીટલ અરેસ્ટ કરીને મુંબઈ પોલીસના નામે સાયબર ગઠીયાએ રૂ. ત્રણ લાખ પડાવી લીધા હતા. આ અંગે વૃદ્ધે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બહેરામપુરામાં ગ્રીનક્રોસ સોસાયટીમાં રહેતા નટવરભાઈ મંગળદાસ કિશ્ચિયન (ઉ.73) એલઆઈસીમાં કર્લાક તરીકે ફરજ બજાવી નિવૃત થયા છે. બન્યુ એવુ કે ગત તા 26 જુનના રોજ સવારના 11 વાગે નટવરભાઈના ફોન પર અજાણ્યા નંબરથી વીડીયો કોલ આવ્યો હતો જેમાં સામે છેડેથી હું મુંબઈ પોલીસ વાત કરુ છુ કહીને તેમને ધમકી આપી હતી કે તમે આતંકવાદી સાથે જોડાયેલા છો તમારુ આધારકાર્ડ કેરલ તમિલનાડુ કર્ણાટક રાજયમાં વપરાયુ છે. મુંબઈથી પોલીસ તમને પકડવા માટે આવે છે અને પોલીસ તમને પકડવા ન આવે તે માટે તમારે રૂ. 3 લાખ આપવા પડશે. આ સાંભળીને વૃદ્ધ ગભરાઈ ગયા હતા અને પૈસા ભરવાની હા પાડી દીધી હતી.
ત્યારબાદ વૃદ્ધ તે જ દિવસે બેંકમાં ગયા હતા જયાં અજાણ્યા મોબાઈલનંબરથી ફરી વીડીયો કોલ આવ્યો હતો અને કહ્યુ હતુ કે હું તમને જે ફોર્મ ભરવાનુ કહું તે ફોર્મ ભરવાનુ છે તેમ કહીને આરટીજીએસ નુ ફોર્મ ભરાવ્યુ હતુ. ત્યારબાદ વૃદ્ધે ફોર્મ ભરીને સહી કરતા તેમના ખાતામાંથી રૂ. 3 લાખ ડેબીટ થઈ ગયા હતા.
બીજા દિવસે ફરી સાયબર ગઠીયાનો ફોન આવ્યો હતો અને વીડીયો કોલમાં તેમની પાસે બીજા સાત લાખ માંગ્યા હતા. જો કે તેમણે તેમની પાસે આટલા રૂપિયા નહોવાનુ કહી પૈસા આપવાની ના પાડી દીધી હતી.આ અંગે તેમણે એક મિત્રને જાણ કરતા મિત્રએ તેમને ડીજીટલ અરેસ્ટ કરીને રૂપિયા પડાવી લીધાની જાણ કરી હવે પૈસા નહી આપવાની સલાહ આપી પોલીસને જાણ કરવાનુ કહ્યુ હતુ. અંતે વૃદ્ધે સાયબર હેલ્પલાઈન 1930માં ફોન કરીને જાણ કરી હતી. અંતે આ મામલે કાગડાપીઠ પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.