CCTV ફૂટેજના આધારે ભાઈની પૂછપરછ કરતાં ભાંડો ફૂટ્યો
ચોરીના દાગીના ખરીદનારા જ્વેલર્સ સહિત 3ની ધરપકડ
વટવામાં એક નાગરીકના ઘરમા થયેલી રૂ. 9.35 લાખના દાગીનાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢયો છે. જેમાં ઓનલાઈન ગેમીંગમાં મિત્રનું રૂ 3.50 લાખનુ દેવુ ઉતારવા સગાભાઈએ જ ભાઈના ઘરમાં એક મિત્ર સાથે મળીને ચોરી કર્યાનો ઘટસ્ફોટ થયો હતો. આ મામલે પોલીસે ફરિયાદીના ભાઈ તેના મિત્ર અને ચોરીના દાગીના ખરીદનારા સોનીની ધરપકડ કરી છે.
વટવામાં ઓમશાંતિનગરમા રહેતા ચિરાગભાઈ રાણાના ઘરમાં ગત 4 ઓગસ્ટે બેડની નીચે મુકેલા બોકસમાંથી સોનાના રૂ.9.35 લાખના દાગીના ગુમ થયેલા જણાયા હતા.
વટવા સર્વેલન્સ સ્કવોડના પીએસઆઈ એ.બી.ગંધા અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજની ઝીણવટ પૂર્વક તપાસ કરતાં શંકાસ્પદ હિલચાલ જણાતાં દ્વારકાધીશની પોળમાં રહેતા મિતેષકુમાર રાણાની પૂછપરછ કરતા તેણે પોલીસ સમક્ષ વટાણા વેરી દીધા હતા કે ઓનલાઈન ગેમિંગના રવાડે ચઢી જતા 3.50 લાખનું દેવું થઈ ગયું હતું. ઘણા સગા સંબંધીઓ પાસે રૂપિયા માંગતા કોઈ વ્યવસ્થા થઈ નહોતી. આખરે વટવાના ઓમ શાંતિનગરમાં રહેતા મિત્ર કૃણાલ રાણાને આ અંગે વાત કરીને તેના સગો ભાઈ ઘરમાં એકલો જ રહે છે. તો તેના મકાનમાં ચોરી કરી લઈએ કોઈને શંકા પણ જશે નહી તેમ જણાવ્યું હતું અને જે મળશે તેમાંથી તને ભાગ આપીશ કહીને લાલચ આપી હતી. ત્યારબાદ બંનેએ મકાનમાં ચોરીને અંજામ આપવા માટેનું કાવતરું ઘડી નાંખ્યું હતું.
ગત 4 ઓગસ્ટની કૃણાલ રાણાએ તેના સગા ભાઈના મકાનની ચાવી મિતેષ રાણાને આપી અને બંને જણા 9.35 લાખના દાગીના ચોરી કરી લીધા હતા. બાદમાં શાહીબાગ પાસે રહેતા પુનિત શાહ નામના જવલેર્સને દાગીના વેચી દીધા હતા. આખરે વટવા પોલીસ ચોરીના ગુનામાં મિતેષકુમાર મુકેશભાઈ રાણા કૃણાલ દશરથ રાણા અને પુનિત લલિતભાઈ શાહ ત્રણેય આરોપીની ધરપકડ કરીને ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.