સારવાર અર્થે એસવીપીમાં દાખલ દર્દીનું આયુષ્યમાન કાર્ડ બનાવવા તંત્ર વહારે આવ્યું
દર્દી માટે સરકારી કચેરીના સ્ટાફે ઝડપી કામગીરી કરી માનવતાની મહેક પ્રસરાવી
શહેરના નારોલમાં રહેતા એક વૃદ્ધને શ્વાસની બિમારી હોવાથી સારવાર અર્થે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દરમિયાન તેમની સારવાર માટે આયુષ્યમાન કાર્ડ બનાવવા આવકના દાખલાની જરૂર હતી. એટલે નારોલના સર્કલ ઓફિસરે 10 જ મિનિટમાં આવકનો દાખલો બનાવી આપીને દર્દીની વ્હારે આવ્યા હતા. આમ સરકારી કચેરીમાં પણ દર્દી માટે સ્ટાફે ઝડપી કામગીરી કરીને માનવતાની મહેંક પ્રસરાવી છે.
શહેરના નારોલમાં આવેલા સમૃદ્ધી રેસીડેન્સીમાં રહેતા 60 વર્ષિય પંડ્યા દિનેશભાઈને શ્વાસ લેવાની બિમારી અંતર્ગત સ્થિતિ ગંભીર બનતા સારવાર અર્થે એસવીપી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરાયા હતા. આ અંગેની જાણ સામાજિક કાર્યકર હર્ષદ પટેલને થતાં તેઓએ પંડ્યા પરિવારની મદદે આવ્યા હતા અને બારકોડ રેશનકાર્ડ મણિનગરના મદદનીશ નિયામક ડો.મયુર ચંદાની મદદથી એન્ટર કરાવીને સરનામાના અપડેટ સાથે આઈસીયુમાં સારવાર લઈ રહેલા દિનેશભાઈ સહિત પરિવારના સભ્યોનું ઈકેવાયસી કરી આપ્યું હતું.
બાદમાં દાણીલીમડા બહેરામપુરા,નારોલ અને ઈસનપુરનો ચાર્જ સંભાળતા સર્કલ ઓફિસર આશિયાના શેખને મળીને દિનેશભાઈના પુત્ર કરણને સાથે રાખી જરૂરી પુરાવા રજૂ કરીને આવકનો દાખલો બનાવવા માટે મેડીકલ ઈમરજન્સીની જાણ કરી હતી.
એટલે સર્કલ ઓફિસર આશિયાના શેખે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના રજૂઆતને ધ્યાને રાખીને નારોલના તલાટીને સુચના આપી તેઓએ પુરાવાઓની ખરાઈ કરીને ઓપરેટરની મદદથી 10 મિનિટમાં આવકનો દાખલો બનાવી આપ્યો હતો. બાદમાં દિનેશભાઈના પુત્ર કરણને આવકનો દાખલો સોંપતા તેઓએ ભાવવિભોર થઈને અધિકારી અને સરકારી ચાવડીના તમામ કર્મચારીઓનો આભાર માન્યો હતો.