અમદાવાદ શહેર ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટ કાપવાની આંતરિક લડાઈ ચરમસીમાએ
રાજયમાં મહાનગરપાલિકા, નગરપાલિકાઓ સહિતની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓ આવી રહીં છે ત્યારે અમદાવાદ શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ટીકીટ મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસમાં એકબીજા કોર્પોરેટરને બદનામ કરવાના કાવતરાઓ શરૂ થઇ ગયા છે. જેનાભાગરૂપે તાજેતરમાં શહેર ભાજપની એક મીટીંગમાં અમદાવાદના શહેર ભાજપના એક પ્રમુખ કક્ષાના નેતાએ કોર્પોરેટરોને એવી ટકોર કરી હતી કે,તમે લોકો એકબીજાને બદનામ કરવા માટે મિડીયાને બ્રીફીંગ કરો છે તેની જાણ અમને થાય છે! બીજીબાજું અમદાવાદમાં કોંગ્રેસ માટે દરિયાપુર વિધાનસભાના વોર્ડમાં ટીકીટ મેળવવા માટે દાવેદારો વધારે હોવાથી અમદાવાદ શહેર પ્રમુખ જીલ શાહ ગાળો ભાંડતા હોયતેવો એક ઓડિયો કોંગ્રેસના જ એક કોર્પોરેટરના નજીકનાએ વહેતો કર્યો છે,જેની પાછળ પણ કોર્પોરેશનની ચૂંટણી પહેલાનું ટીકીટનું રાજકારણ હોવાનુ બહાર આવ્યુ છે.આ બાબતે કોંગ્રેસના મહિલા શહેર પ્રમુખ જીલ શાહનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે, આગામીકોર્પોરેશનની ચૂંટણીમાં મને ટીકીટ મળે નહીં તેટલા માટે બદનામ કરવાનો પ્રયાસ છે.
તેમનો કથિત ઓડિયો અને વિડીયો વાયરલ થયો છે. જો કે, જીલ શાહ સામે કોંગ્રેસના કાર્યકર સાગર પ્રવિણભાઇ ડબગરે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે, ભાજપમાં પણ એક કોર્પોરેટર બીજા કોર્પોરેટરના વિસ્તારની સમસ્યાઓને ઉજાગર કરવા માટે પાછલે બારણે કામ કરે છે. આ બાબતે કોર્પોરેટર્સ સાથેની બેઠકમાં નેતાએ એવી ટકોર કરી હતી કે, તમે એકબીજાને બદનામ કરવા માટે મિડીયાને બ્રીફીંગ કરો છો, પણ તેની અમને જાણ થાય છે.
ભાજપના શહેર પ્રમુખ કક્ષાના નેતાને કહેવું પડ્યું કે અંદરની લડાઈને જાહેર ના કરો
કોંગ્રેસના નેતાને બચાવવા ભાજપના નેતા મેદાને
કોંગ્રેસમાં દરિયાપુરમાં ચાલતી ધમાલમાં કોંગ્રેસના એક નેતાને બચાવવા માટે ભાજપના એક ચૂટાયેલા નેતા મેદાને પડયા છે.એવી ચર્ચા છે કે, અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં આ કોંગ્રેસના નેતાએ મદદ કરી હતી.એટલે તેમનું ઋણ ઉતારવા માટે ભાજપના નેતા મેદાને પડયા છે. દરિયાપુર પોલીસ સ્ટેશનમાં કરાયેલી ફરિયાદમાં કોંગ્રેસ સામે કોંગ્રેસમાં કોણ બાજી મારી જાય છે તેના પર શહેર ભાજપ-કોંગ્રેસના નેતાઓની મીટ છે.