ફરિયાદ થતા સજા થશે તેવા ડરથી આત્મહત્યાનું ત્રાગું કર્યું
વટવામાં રહેતી સગીરાની સાથે તેના પિતરાઈભાઈએ દુષ્કર્મ આચર્યુ હતુ અને ધમકી આપી હતી. બીજીબાજુ સગીરાની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાતા તેણે માતાપિતાને સમગ્ર હકીકત જણાવતા માતાપિતા ચોંકી ઉઠયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા વટવા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ સમયે આરોપીએ બ્લેડ કાઢીને આત્મહત્યા કરવાના ઈરાદે પોતાના હાથે બ્લેડના ઘા માર્યા હતા. પોલીસે આરોપીને હોસ્પિટલ ખસેડયો હતો.
બનાવની પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર વટવા વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાના ઘરની નજીકમાં તેમના સબંધી રહે છે. આ પરિવારનો યુવક સગીરાનો પિતરાઈ ભાઈ થતો હોઈ અવારનવાર સગીરાની સાથે વાતચીત કરતો હતો.
બીજી બાજુ સબંધીનો દિકરો હોઈ સગીરાના માતાપિતા પણ વિશ્વાસ રાખીને યુવકની હિલચાલ પર ધ્યાન આપતા નહતા. આ સ્થિતિમાં થોડા દિવસો પહેલા સગીરા ઘરે એકલી હતી ત્યારે પિતરાઈએ તેની સાથે બળજબરીથી શરીરસબંધ બાંધ્યો હતો અને કોઈને વાત કરીશ તો તારી ઈજ્જત જશે તેમ કહીને ધમકી આપી હતી. સગીરા તેની સાથે થયેલી ઘટનાની વ્યથિત રહેતી હતી અને આ અંગે કોઈને જાણ કરી નહતી.
દરમિયાન સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેની માતા તેને હોસ્પિટલ લઈ ગઈ ગયા હતા. જયા ડોકટરે તપાસ કર્યા બાદ સગીરાને તેની માતાએ પુછપરછ કરતા સગીરાએ સમગ્ર હકીકત તેના જણાવતા માતાપિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
આ મામલે ચુપ રહેવાના બદલે પોલીસનો સંપર્ક કરીને આરોપી યુવક સામે ફરિયાદ નોધાવી હતી. વટવા પોલીસે બનાવની ગંભીરતા પારખીને તાત્કાલિક આરોપી યુવકની ધરપકડ કરી હતી. આરોપીને પોલીસે પકડીને લાવી ત્યાર તેણે પોતાના ખિસ્સામાં છુપાવી રાખેલી બ્લેડ કાઢીને આત્મહત્યા કરવાના ઈરાદે પોતાના હાથે બ્લેડના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.આ સમયે હાજર પોલીસે તાત્કાલિક આરોપીના હાથમાંથી બ્લેડ છીનવી લઈ તેને હોસ્પિટલ ખસેડયો હતો. પોલીસે સગીરાને સિવિલ હોસ્પિટલ મોકલી તબીબી તપાસ શરૂ કરવાની તજવીજ હાથ ધરી હતી. આરોપીની મેડીકો લીગલ ધરપકડ બતાવી તેને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ધરપકડ કરવાની તજવીજ આદરી છે.