કલેક્ટર કચેરી દ્વારા અપાયેલા હુકૂમનું પાલન થતું નથી
વટવામાં આવેલ મામા તલાવડી મ્યુનિ.ને સોંપવા કલેક્ટર કચેરી દ્વારા માર્ચ 2023માં હુકમ કરવામાં આવ્યો હતો. ટીપી 107 અને સર્વે નંબર 683 પર આવેલી તલાવડીના ખરાબાની જગ્યા કલેક્ટર કચેરી હસ્તક આવે છે. હાલમાં તલાવડીની જગ્યા પર કાયમી અને બિનકાયમી પ્રકારના કુલ 300 જેટલા દબાણ સ્થાનિકો દ્વારા ખડકી દેવામા આવ્યા હતા. જેને ધ્યાનમાં રાખીને વર્ષ 2023માં કલેક્ટર કચેરી દ્વારા સૂચના આપવામા આવી હતી કે તાત્કાલિક ધોરણે તમામ દબાણોને દૂર કરી જગ્યાની માપણી કરીને મ્યુનિ.ને સોંપવાની કાર્યવાહી શરૂ કરવાનું હતું. જોકે જગ્યાની માપણી કરવામાં ડિસ્ટ્રીક્ટ ઈન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ વિભાગ દ્વારા મોડું કરવામા આવતા કલેક્ટરના સૂચનની અવગણના કરવામા આવી છે. ડીએલઆરના નક્શાશીટ મુજબ હજુ સુધી માપણી પૂર્ણ ન થઈ શકતા કામગીરી અટકી પડી છે.વટવા મામલતદાર કચેરી દ્વારા ડીએલઆર વિભાગને નિયમિત સમયગાળા દરમિયાન પત્ર લખી માપણી કરવાની જાણ કરવામાં આવી હોવા છતા કામગીરી અટકી છે.
ડિસ્ટ્રીક્ટ ઈન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ દ્વારા ભૂતકાળમાંપણ જમીનની માપણી કરવામા મોડું કરાતા સરકારના મહત્વના કેટલાક પ્રોજેક્ટ અટકી પડયા હતા. ભૂતકાળમાં કલેક્ટર કચેરી દ્વારા વનીકરણ કરવા માટે જગ્યા ફોરેસ્ટ વિભાગને સોંપવાની સૂચના આપવામાં આવી હોવા છતા ત્રણ વર્ષ સુધી જગ્યાની માપણી કરવામા આવી નહતી. જેના કારણે બે લાખ ચોરસ મીટરની જગ્યામાં વનીકરણની કામગીરી ટલ્લે ચઢી હતી.
જગ્યાની માપણી પૂર્ણ કરાતા મ્યુનિ.ને કબજો સોંપાશે
વટવાના મામલતદાર રણજીતસિંહ મોરીએ જણાવ્યું કે અમારા હસ્તક કુલ ૩૩ તળાવ આવેલા હતા જેમાંથી 27 તળાવોને સોંપવાની કામગીરી સફળતા પૂર્વક કરી દીધી છે. હજુ માત્ર 6 તળાવોને સોંપવાની કામગીરી બાકી જોવા મળી રહી છે જેનું કામ ચાલી રહ્યું છે. ડીએલઆર વિભાગ દ્વારા માપણી પૂર્ણ કરાતા જ તળાવોનો કબજો મ્યુનિ.ને સોંપી દેવાશે. ડીએલઆર વિભાગને નક્શા મુજબ માપણી ઝડપથી પૂર્ણ કરવા માટે પત્ર લખી જાણ કરી દેવામા આવી છે.







