
માનવ અધિકાર આયોગે જુલાઈથી આદેશ કર્યો છતાં પાણી છોડવાની ફરિયાદ
તળાવમાં તાત્કાલિક ગંદુ પાણી છોડવાનું બંધ કરવા મ્યુનિ. સત્તાધીશોને રજૂઆત
શહેરના નિકોલના તળાવમાં મ્યુનિ કોર્પોરેશન દ્વારા ગટરના પાણી છોડીને તળાવને પ્રદૂષિત કરાતું હતું. આ મામલે માનવ અધિકાર આયોગ સમક્ષ પહોચ્યો હતો. જેમાં માનવ અધિકાર આયોગે ગત જુલાઈ માસમાં મ્યુનિ અધિકારીઓને તળાવમાં ગટરનું પાણી છોડવાનું બંધ કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ આદેશ આપ્યાના થોડા દિવસો બાદ ફરીથી ગટરના પાણી છોડવામાં આવી રહ્યા છે. ત્યારે આયોગના દ્વાર ખટખટાવનારા અરજદારે હવે મ્યુનિ અધિકારીને તળાવમાં ઠલવાતું ગટરનું પાણી તાત્કાલિક બંધ કરવા રજૂઆત કરી છે.
અમદાવાદ ડેવલપમેન્ટ એન્ડ સિટીઝન્સ વેલ્ફેર ગ્રુપના ચેરમેન સંતોષ મિશ્રાએ જણાવ્યું હતું કે, નિકોલના તળાવમાં છેલ્લા ઘણા સમયથી મ્યુનિ કોર્પોરેશન ગટરના પાણી છોડીને તળાવને પ્રદૂષિત કરતા હતા. આ મામલે વારંવાર રજૂઆત છતાં કોઈ અસર થતી ન હતી. આખરે અમે માનવ અધિકાર આયોગ અરજી કરી હતી. જેના પગલે ગત તા.14 જુલાઈના રોજ આયોગે મ્યુનિ કમિશનર સહિત સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સુચનાઓ આપી હતી કે, તળાવમાં ગટરનું પાણી છોડવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે. તેમ છતાં આયોગના આદેશનો અમલ થયો નથી.
હજુ પણ ગટરના પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યા છે. જેના કારણે પૂર્વ ઝોનના અધિકારીઓને અમે રજૂઆત કરી છે કે, તળાવમાં ગટરનું પાણી છોડવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે. આયોગના આદેશના પાલનનું નિષ્ફળ રહ્યા તેવા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે. ભવિષ્યમાં આવી બેદરકારી ના બને તે માટે પર્યાપ્ત મિકેનિઝન ઊભું કરવામાં આવે.