અમદાવાદ વકીલને મળવા આવતા ધરપકડ કરી
દાદરાનગર હવેલીમાં ચાઈનીઝ દોરી બનાવવાની ફેકટરી શરુ કરીને સમગ્ર ગુજરાતમાં ચાઈનીઝ દોરી સપ્લાય કરનાર ફેકટરી માલિક વિરેન પટેલની એસઓજીએ 20 દિવસ બાદ ધરપકડ કરી હતી. વિરેન પટેલ અગાઉ આ જ જગ્યાએ ફિશિંગ નેટ બનાવતો હતો. પરંતુ તેના કરતા ચાઈનીઝ દોરીમાં નફો વધારે હોવાથી અઢી વર્ષથી તેણે ચાઈનીઝ દોરી બનાવીને ગુજરાતમાં સખ્યાલ કરવાનું શરું કર્યું હતું.
અમદાવાદ જિલ્લા પોલીસની ટીમોએ સાણંદ, બાવળા, કોઠમાંથી ચાઈનીઝ દોરીના 8000 ફીરકી સાથે 6 આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી પોલીસને માહિતી મળી હતી કે આ ચાઈનીઝ દોરી બનાવવાની ફેકટરી દાદરાનગર હવેલીમાં વંદના ઈન્ડસ્ટ્રીઝમાં આવેલી છે. જેનો માલિક વાપીનો વિરેન બાબુભાઈ પટેલ(37) નો છે. આ માહિતીના આધારે એસઓજીના પીઆઈ સતીષ રામાણી ટીમ સાથે દાદરાનગર હવેલી ગયા હતા અને વિરેનની ફેકટરી પકડી પાડી હતી.
ત્યાંથી ચાઈનીઝ દોરીની 43,192 હજાર ફીરકી(કિંમત રૂ.1.50 કરોડ)ની મળી આવી હતી. ફેકટરી માલિક ફરાર હતો. વિરેન અમદાવાદ વકીલને મળવા આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતુ કે, વિરેન એમબીએ થયેલો છે. 2011માં તેણે વાપીમાં ટેક્ષટાઈલ ફેકટરી શરું કરી હતી. ત્યારબાદ તેણે 2021માં ત્યાં ફિશિંગ નેટની ફેકટરી શરુ કર્યા બાદ અઢી વર્ષ સુધી બનાવીને સપ્લાય કરી હતી. પરંતુ ચાઈનીઝ દોરીમાં વધુ નફો હોવાથી વિરેને અઢી વર્ષથી ચાઈનીઝ દોરી બનાવી સપ્લાય શરૂ કર્યો હતો.







