તબીબી ડિગ્રી વિના જ હોસ્પિટલ ચલાવતા હતા, પિતાની ધરપકડ, પુત્ર ફરાર
નકલી પોલીસ, પીએમઓ અધિકારી,જજ બાદ હવે નકલી હોસ્પિટલ પકડાઈ છે. શહેરના દાણીલીમડામાં બેરલ માર્કેટ પિતા-પુત્રએ ભેગા થઈને તબીબી ડીગ્રી વિના જ નકલી હોસ્પિટલ શરૂ કરી હતી. જેની જાણ થતાં ઝોન-6 એલસીબીની ટીમે દરોડા પાડીને બનાવટી નકલી હોસ્પિટલ ચલાવનારા પિતાની ધરપકડ કરી લીધી છે.પિતાને પોલીસે પકડી લીધા હોવાથી પુત્ર હોસ્પિટલ આવવાની જગ્યાએ ભૂર્ગભમાં ઉતરી ગયો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ કરીને નકલી હોસ્પિટલમાંથી કુલ રૂ.19.50 લાખની મત્તાનો મેડીકલનો સામાન જપ્ત કરીને નકલી હોસ્પિટલને સીલ મારી દીધુ છે. જ્યારે ભૂર્ગભમાં ઉતરી ગયેલા યુવકને પકડવા પોલીસની ટીમો રવાના કરાઈ છે.
શહેરના દાણીલીમડામાં આવેલ બેરલ માર્કેટની અંદર સાહીસ્તાનગર રાહીમનગર વિભાગ-1માં છેલ્લા ઘણા વર્ષોથી બાપ દીકરાએ ભેગા થઈને તબીબી ડીગ્રી વગર હોસ્પિટલ શરુ કરી હોવાની પોલીસને બાતમી મળી હતી. એટલે શુક્રવારે ઝોન-6 એલસીબીના પીએસઆઈ એન.કે. જાડેજા સહિતની પોલીસની ટીમે દરોડા પાડીને બનાવટી ડોક્ટર બનીને હોસ્પિટલ ચલાવનાર અબ્દુલરશીદ ઈસ્માઈલ શેખની ધરપકડ કરી છે.
જ્યારે પિતાની ધરપકડ કરાઈ હોવાની જાણ થતાં દીકરો સમીર શેખના હોસ્પિટલ આવવાની જગ્યાએ ફરાર થઈ ગયો હતો. અંતે એલસીબી સ્કવોડે બોગસ હોસ્પિટલમાંથી મેડીકલની દવાના જથ્થા સહીત કુલ રૂ.19.50 લાખનો મેડીકલનો સમાન જપ્ત કરીને હોસ્પિટલને સીલ મારી માર્યું છે.
નોંધનીય બાબત છે કે બનાવટી ડોક્ટર બનીને ફરતા બાપ દીકરાએ
ડોક્ટર મિત્ર સાથે મળીને હોસ્પિટલ શરૂ કરાઈ હતી
આજથી ઘણા વર્ષો અગાઉ દાણીલીમડાના બેરલ માર્કેટની અંદર આવેલા સાહિસ્તાનગરમા ડોક્ટરની ડીગ્રી નહી હોવા છતાં યુવકે તેના ડોક્ટર મિત્ર સાથે મળીને હોસ્પિટલ શરુ કરી દીધી હતી. બાદમાં નિયમિત રીતે ડોક્ટર મિત્ર હોસ્પિટલ નહી આવતા યુવક અને તેના પિતાએ તબીબી ડીગ્રી નહી હોવા છતાં ડોકટરી પ્રેક્ટીસ શરુ કરીને દર્દીઓની સારવાર કરવાનું શરુ કરી દીધું હતું.
એડમિનિસ્ટ્રેટિવ કોર્સનું સર્ટી દવાખાનામાં લગાવ્યું હતું
સમીર શેખે હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટિવનો કોર્ષ કર્યો હતો. એટલે હોસ્પિટલની દીવાલો પર હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટિવ કોર્ષની ડિગ્રીના ફોટા ચોટાડયા હતા. જેના લીધે સારવાર લેવા આવનાર દર્દી અથવા તો તેના સ્વજનોને શંકા જાય નહી. આ સાથે જ અંગેજી ભાષાના જાણકાર હોવાનાં લીધે દર્દીઓ સાથે અંગ્રેજીમાં વાતચીત કરતા તથા પ્રિસ્ક્રીપશન પણ લખી આપતા હતા.
એલોપેથીક દવાઓનો જથ્થો પણ હોસ્પિટલમાં સંગ્રહ કરીને રાખ્યો હતો. સિરીંજ, ઈન્જેક્શન તથા અન્ય મેડીકલ સાધનો પણ હોસ્પિટલમાં વસાવીને રાખ્યા હોવાનો ઘટસ્ફોટ પોલીસે દરોડા પાડયા બાદ જાણવા મળ્યું છે. ફરાર દીકરાની શોધખોળ માટે પોલીસે તપાસ શરુ કરી છે. આરોપી અબ્દુલ રશીદ ઈસ્માઈલ શેખને અંગ્રેજી આવડતું હોવાથી હોસ્પિટલમાં આવનારા દર્દીના રોગને જાણીને તેના મુજબની એલોપેથીક દવા તુકકા લગાવીને આપતો હોવાની કેફિયત આરોપીએ પોલીસ સમક્ષ વર્ણવી છે.