વટવાના દંપતીના કેસમાં મુદ્દત સમયે બોલાચાલી થઇ હતી
વટવામાં સદભાવના નગરમાં રહેતા યાસ્મીનાબેન તૌફિકભાઈ સૈયદે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ભાઈ સદ્દામની પત્ની હિના ઉર્ફે મુસ્કાને તેના ભાઈ વિરુદ્ધ કેસ કર્યો છે જે હાલમાં કોર્ટમાં પેન્ડીગ છે.ગત તા 16 મીના રોજ કોર્ટમાં મુદત હોઈ યાસ્મીનાબેન તેમની માતા અને ભાઈ કોર્ટમાં ગયા હતા. આ સમયે સદ્દામને તેના દિકરાનો કબજે લેવા માટે તેની પત્ની હિના તથા સાસુ સાયરાબાનુ સાથે ઝઘડો થયો હતો.
દરમિયાન રાતના નવ વાગે યાસ્મીનાબેન અને તેમની માતા ઘર પાસે બેઠા હતા, ત્યારે હિના તેની બહેન સાહિસ્તાબાનુ તેનો પતિ વસીમ ઉર્ફે વસ્યો તથા હિનાનો ભાઈ સદામ આવ્યા હતા. આ સમયે હીના અને તેની માતાએ યાસ્મીનને તમે આજે કોર્ટમાં કેમ ઝઘડો કરતા હતા તેમ કહી બોલાચાલી કરી હતી. આ દરમિયાન સાહિસ્તાબાનુએ છરી કાઢીને યાસ્મીનને મારવા જતા તેમની માતા વચ્ચે પડતા તેમને માથામાં છરી વાગી હતી.
આ વખતે હિનાના ભાઈ સદામે દંડો લઈને યાસ્મીનને માર માર્યો હતો. આ મામલે યાસ્મીનબાનુએ વટવા પોલીસ સ્ટેશનમાં હિના ઉર્ફે મુસ્કાન શેખ, સાહિસ્તા શેખ, સદામ ઈસ્માઈલ શેખ, અને વસીમ શેખ સામે ફરિયાદ નોધાવી છે. જયારે સામાપક્ષે મુસ્કાનબાનુ સદામ અસલમ શેખે નોંધાવેલી ફરિયાદ મુજબ કોર્ટમાં મુદત ગયા ત્યારે સાસરીવાળાએ દીકરો લેવા માટે ઝધડો કર્યો હતો.
રાતના સમયે તેઓ તેમની બહેન સાહિસ્તાની સાથે સાસુ અને પતિને ઝઘડો કેમ કર્યો તે પુછવા માટે ગયા હતા.આ સમયે તેમનો પતિ સદ્દામ ઉશ્કેરાઈને મારવા લાગ્યો હતો. તેમની બહેન વચ્ચે છોડાવવા જતા તેમની સાસુ શબાનાબેન દિયર સમીર ઉર્ફે બાબા તથા નણંદ યાસ્મીન ઉર્ફે આશોએ તેમની બહેન સાહિસ્તાને માર મારવા લાગ્યા હતા. આ સમયે સદ્દામે તેની પાસેની છરી મારતા તેમને હાથે ઘસરકો વાગ્યો હતો. ત્યારબાદ દંડાથી સાહિસ્તાને માર માર્યો હતો મુસ્કાનબાનુએ તેમના પતિ સદામ અસલમ, શબાના, સમીર ઉર્ફે બાબા અને યાસમીન ઉર્ફે આશો સામે ફરિયાદ નોંધાવી છે.