ગ્રાહકો પાસેથી લોનના હપતા લઈ જમા કરાવ્યા જ નહીં
અમરાઈવાડીમાં ખાનગી ફાયનાન્સ કંપનીમાં ફિલ્ડ કોર્ડીનેટર તરીકે નોકરી કરતા કર્મચારીએ નોકરીમાથી રાજીનામુ આપી દીધુ હતુ. ત્યારબાદ કંપનીએ તપાસ કરતા કર્મચારીએ લોનના હપ્તનુ કલેકશન કરીને રૂપિયા કંપનીમાં જમા નહી કરાવીને કુલ રૂપિયા 1.18 લાખની છેતરપિંડી આચર્યાની હકીકત બહાર આવી હતી.
વાવોલમાં રહેતા વિપુલભાઈ નંદાણી અમરાઈવાડીમાં ટ્રેડ સ્કવેરખાતે આવેલી પહલ ફાઈનાન્સિયલ સર્વિસીસ પ્રા.લિ.માં એરીયા મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપની માઈક્રો ફાઈનાન્સ( લોન) આપવાનુ કામ કરે છે.
આ કંનીમાં લોનધારકો પાસેથી લોનના હપ્તા કલેકશન કરવાનુ કામ ફિલ્ડ કોર્ડીનેટર તરીકે કંપનીના કર્મચારી રોનક કેશવભાઈ રાઠોડ(રહે નવોવાસ, કડીયાનાકા પાસે ઓઢવ) નોકરી કરતા હતા. તેઓ રેગ્યુલર લોનના હપ્તાનુ કલેકશન કરી કંપનીમાં જમા કરાવતા હતા. જે તે સમયે બ્રાંચ મેનેજર તરીકે દિલીપ ડાભી હતા. દરમિયાન ગત જાન્યુઆરી, 2025માં રોનક રાઠોડે અરજી આપીને નોકરીમાંથી રાજીનામુ આપ્યુ હતુ. ત્યારબાદ ધ્યાને આવ્યુ હતુ કે રોનક રાઠોડે ગ્રાહકો પાસેથી હપ્તાનુ કલેકશન કરીને નાણાં કંપનીમાં જમા કરાવ્યા નથી. આ અંગે રોનકનો સંપર્ક કરતા તેઓ મળ્યા નહતા અને તેમની પત્ની તથા માતાને પૂછતાં કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહતો.
આ દરમિયાન તપાસ કરતા ગતા તા 21 માર્ચ 2022 થી 31 જાન્યુઆરી, 2025 સુધીમાં રોનકે નોકરી કરી તેમાં 10 ગ્રાહકોના રૂપિયા 1,18,255 લોનના હપ્તા પેટે લીધા હોવાનુ અને આ નાણાં કંપનીમાં જમા નહી કરાવ્યા હોવાનુ ખુલ્યુ હતુ. આ મામલે રોનકની માતાએ થોડાથોડા કરીને નાણાં કંપનીમાં જમા કરાવી દેવાની બાંહેધરી આપી હતી. જેથી જે તે સમયે પોલીસ ફરિયાદ કરી નહતી. જો કે રોનક રાઠોડ તરફથી કોઈ રકમ જમા નહી કરાવતા અંતે કંપનીના એરીયા મેનેજર વિપુલ નંદાણીએ આ મામલે રોનક સામે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.