પરિવાર બહાર હતો, કોઈએ ડબ્બામાંથી દાગીના કાઢી લીધા
પોલીસને કોઈ જાણભેદુએ જ ચોરી કરી હોવાની આશંકા
વટવા ગામડી રોડ પર રહેતા એક પરિવારને બેડરૂમમાં બેડની અંદર સોનાના દાગીના કિંમત રૂ. 9.35 લાખના છુપાવીને રાખ્યા હતા. જે તસ્કરોએ મકાનનુ તાળુ ખોલીને ચોરી લીધા હોવાની ફરિયાદ વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
વટવા ગામડી રોડ પર આવેલા ઓમ શાંતિનગર 03 પ્લસમાં રહેતા ચિરાગભાઈ રાણા ની પત્ની પાટણખાતે નર્સીગમાં નોકરી કરે છે અને તેમની માતા તેમની સાથે રહે છે. જયારે ચિરાગભાઈ વટવા જીઆઈડીસીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. તેમના ભાઈ પ્રહલાદનગરમાં નોકરી કરે છે. ગત તા 21 જુનના રોજ તેમની પત્ની રજા હોઈ અમદાવાદ આવ્યા હતા અને બીજા દિવસે સવારે પાટણ જતા પહેલા સોનાના દાગીના તેમના બેડરૂમમાં બેડમાં ડબ્બામાં મુકયા હતા. ત્યારબાદ 2 ઓગસ્ટે ચિરાગભાઈ અને તેમના ભાઈ નોકરીએ ગયા હતા. ચિરાગભાઈ નોકરીએથી પત્નીને મળવા માટે પાટણ ગયા હતા.
જયારે તેમના ભાઈ ઘરે આવતા તેમણે ઘર ખોલીને જોયુ તો ઘરનો સામાન વેરવિખેર હતો. આ અંગે ચિરાગભાઈને જાણ કરતા તેઓ પત્ની સાથે ઘરે દોડી આવ્યા હતા અને તપાસ કરતા બેડરૂમમાં બેડની અંદર મુકેલો સોનાના દાગીના રૂ. 9.35 લાખનો ગુમ જણાયો હતો. આ અંગે ચિરાગભાઈએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. પોલીસે આ ઘટનામા કોઈ જાણભેદુએ ચોરી કરી હોવાની શંકાના આધારે મકાનની આસપાસના સીસીટીવી ફુટેજ મેળવવા સહિતના પગલાં લઈ ચોરન ઝડપવા તજવીજ હાથ ધરી છે.