
તૂટી ગયેલાં પગથિયાંનું સમારકામ કરવા લોકોએ ફરિયાદ કરી તો ગેટ બંધ કર્યો
ઘાસ હટાવી વહેલી તકે બિસમાર પગથિયાંનું સમારકામ કરવા લોકમાર્ગે
શહેરના ઘોડાસર ગામના ખારીકટ કેનાલ પાસે આવેલા તળાવાના ગેટ પાસેના પગથિયા જ બિસમાર હાલતમાં બની ગયા છે. ઉપરાંત તંત્ર દ્વારા પગથિયાનું સમારકામ કરવાના બદલે ગેટ જ બંધ કરી દીધો છે. જેના કારણે ગેટ પાસે ઘાસ ઊગી નીકળ્યા છતાં તંત્ર કુંભકર્ણની નિદ્રા માણી રહ્યું છે. પૂર્વના સૌથી પોશ વિસ્તાર કહેવાય તેવા મણિનગરના ઘોડાસરના તળાવની આવી સ્થિતિ થાય તેવુ તો નાગરિકોએ પણ વિચાર્યુ નહીં.
આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઘોડાસર ગામનું તળાવ જયાં આવેલું છે તે તળાવના નિર્માણને લઈને બે દાયકાથી વધુનો સમય પસાર થઈ ગયો છે. જો કે તળાવના પ્રવેશના ગેટના ત્રણ પગથિયા જ તુટી ગયા છે. એટલે પગથિયા તુટેલા હોવાથી લોકોને અવરજવર કરવામાં તકલીફ પડતી હોવાથી તેનુ સમારકામ કરવા માટે સ્થાનિકો દ્વારા તંત્રમાં રજૂઆતો કરાઈ હતી.
તેમ છતાં તંત્રે પગથિયાનું સમારકામ કર્યું નહી એટલે તેમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પગથિયામાં જ ઘાસ ઉગી નીકળ્યા છે. તુટેલા પગથિયાના સમારકામ કરવામાં તંત્રે બેદરકારી દાખવી હોવાનું ઠીક પરંતુ લોકો આ તુટેલા પગથિયાની ફરિયાદો કરે નહીં માટે આ ગેટ જ બંધ કરી દીધો છે. એટલે હાલતો ગેટની સામે જ જાણે ગાર્ડન હોય તેમ મસમોટા ઘાસ ઊગી નીકળ્યા છે. જ્યારે તળાવમાં ફરવા આવતા મણિનગર દક્ષિણિ વિસ્તારના નાગરિકોને બીજા ગેટથી જવાની ફરજ પડે છે. આમ નજીકનો ગેટ હોવા છતાં નાગરિકોને ફરી ફરીને બીજા ગેટથી તળાવમાં પ્રવેશ લેવાની ફરજ પડે છે. એટલે તાકિદે પગથિયાનું સમારકામ કરવા લોકમાગ ઉઠી છે.