ચાર શખ્સો સામે પોલીસે ગુનો દાખલ કર્યો
વટવામાં રહેતા એક યુવક પર અનૈતિક સબંધની શંકા મામલે થયેલા ઝઘડાની અદાવત રાખી ચાર વ્યકિતઓએ તેના ઘર અને બાઈકને આગ ચાંપી દીધી હતી. આ અંગે વટવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વટવામાં ગીરાભાઈની ચાલીમાં રહેતા વિજય હેમુભાઈ ઠાકોરને નોંધાવેલી ફરિયાદ મુજબ હિતેશ સમરતભાઈ ઠાકોરને તેની સામે અનેતિક સબંધનો વહેમ હોઈ આ મામલે 20 દિવસ પહેલા તેમની વચ્ચે ઝઘડો થયો હતો.
દરમિયાન ગત સોમવારે વિજય ઠાકોર તેમના વતન સારંગપુર ગયા હતા. ત્યારે તેમના પર હિતેશનો ફોન આવ્યો હતો કે તું કયા છે તારુ લોકેશન આપ મારે તને મારવો છે. ત્યારબાદ ફોન મુકી દીધો હતો. ત્યારબાદ ફરી ફોન કરીને કહ્યું હતુ કે મે તારુ ઘર સળગાવી દીધુ છે તારે જેને જોવા મોકલવા હોય તેને મોકલ. આથી વિજય ઠાકોરે તેમના માતા અને કાકાને તપાસ કરવા મોકલતા તેમનુ ઘર અને બાઈક સળગાવી દીધુ હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ વિજય ઠાકોર ઘરે આવતા તેમને પાડોશીઓ દ્રારા જાણવા મળ્યુ હતુ કે હિતેષ સમરતભાઈ ઠાકોર, મહેન્દ્ર ફુલાભાઈ ઠાકોર, વિવેક શત્રુઘ્નભાઈ માઝી અને મહેન્દ્ર વિરેન્દ્રભાઈ રાજપૂત (તમામ રહે રોપડાગામ)એ આવીને તેમના ઘર અને બહાર પાર્ક કરેલા બાઈકને આગ ચાંપી સળગાવી દીધુ હતુ. આ અંગે ચારે સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.