આંગડીયામાં નાણાં જમા કરાવ્યા બાદ 15 લાખ જ પાછા આપ્યા
નિકોલમાં રહેતા એકાઉટન્ટ યુવકે ભાગીદારીમાં સરકારી કોન્ટ્રાકટ લેવા માટે બેંક એન્ટ્રી પડાવાની જરૂર પડી હતી. આ મામલે ચાર વ્યક્તિઓએ કાવતરૂ રચી આંગડીયા પેઢીમાં રૂપિયા જમા કરાવીને બેંક એન્ટ્રી નહી કરાવી માત્ર રૂ. 15 લાખ પાછા આપી બાકીના રૂ. 75 લાખની છેતરપિંડી આચરી હતી. આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ સામે ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે.
નિકોલમાં રહેતા પ્રવીણભાઈ વોરાને વર્ષ 2023માં ફારુકાબાદ અને ગૌરૈયા ખાતે સરકારી યોજનાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો.આ કોન્ટ્રાકટ પેટે બેંક મારફતે રૂ.1 કરોડ જમા કરાવવા અંગે રુદ્ર શાહ નામના વ્યક્તિનો સંપર્ક થયો હતો. તેમણે કહ્યું કે1 કરોડ રૂપિયાની બેંક એન્ટ્રી મળી જશે પરંતુ તેનાં બદલામાં તમારે આશ્રમ રોડ પર આવેલી શ્રી સિદ્ધિએન્ટર પ્રાઈઝ આંગડિયા પેઢીમાં રૂ.1 કરોડ રૂપિયા જમા કરવા પડશે. તેમ કહીને રમેશ પંચાલનો નંબર રુદ્ર શાહે આપ્યો હતો.
વર્ષ 2023ના ડિસેમ્બર મહિનામાં પ્રવિણભાઈ રમેશ પંચાલ સાથે વાત કરીને નિકોલમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરે ભેગા થયા અને રૂ.1 કરોડ રમેશ પંચાલને આપ્યા હતા.
પરંતુ સાંજ સુધીમાંએકાઉન્ટમાં રૂપિયા નહી આવતા પ્રવિણભાઈ ચિંતામાં આવી ગયા હતા. દરમિયાન રુદ્ર શાહે ફોન કરીને કહ્યું કે તમારા રૂપિયા મારી પાસે છે રાત સુધીમાં તમારા એકાઉન્ટમાં આવી જશે. બીજી તરફ સાંજે આંગડિયા પેઢીમાંથી શખ્સનો ફોન આવ્યો અને પ્રવીણભાઈને કહ્યું કે વાડજ સર્કલ મળવા આવી જાવ જેથી પ્રવીણ ભાઈ મળવા પહોંચ્યા ત્યારે શખ્સે પ્રવીણ ભાઈને રૂ.15 લાખ આપ્યા હતા. બાદમાં રુદ્ર શાહ રમેશ પંચાલનો સંપર્ક કર્યો હતો પરંતુ રોજે રોજ અલગ અલગ બહાના બતાવતા હતા. આખરે પ્રવીણ ભાઈએ નિકોલ પોલીસમાં ચાર લોકો સામે ફરિયાદ કરી છે.