વરસાદમાં રસ્તા તુટી જવાના કે ભૂવા પડવાની સમસ્યા હોવાથી વાહનચાલકોને ભારે હેરાનગતિ
સૌથી વધુ મધ્ય ઝોનમાં 1138 રસ્તા બિસમાર, શહેરના પડેલા ભૂવામાંથી 60 ટકા તો પૂર્વમાં જ
શહેરના સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર રોડ બિસમાર થવાના અને ભૂવા પડવાના બનાવો બની રહ્યા છે. જેના કારણે શહેરીજનોને હેરાન થવાનો વારો આવ્યો છે. ઉપરાંત બિસમાર રોડ અને ભૂવામાં વાહનો ફસાઈ જવાના બનાવો પણ બની રહ્યા છે. મ્યુનિ.માં થયેલી ફરિયાદો મુજબ છેલ્લા દોઢ મહિનામાં પૂર્વ વિસ્તારમાં બિસમાર રોડ અને ભુવા પડવાની કુલ 5 હજારથી વધારે ફરિયાદો મળી છે. જેમાં મધ્ય ઝોનમાં સૌથી વધુ 1138 જેટલા રોડ બિસમાર બની ગયા છે.
આ અંગે મ્યુનિ.ના જણાવ્યા મુજબ, શહેરમાં ગત તા. 1 જુનથી 19 જુલાઈ સુધીના દોઢ મહિનામાં મ્યુનિ.ને રોડને લગતી વિવિધ ફરિયાદો મળી હતી. જેમાં શહેરમાં કુલ 1478 જેટલા ભૂવા પડવાની સમસ્યા જોવા મળી છે. તેમાં પૂર્વ વિસ્તારમાં 885 ફરિયાદોમાં મધ્ય ઝોનમાં 160, પૂર્વ ઝોનમાં 228, ઉત્તર ઝોનમાં 226 અને દક્ષિણ ઝોનમાં 271 જેટલી ફરિયાદો મળી હતી. આમ ભૂવાની કુલ ફરિયાદોમાં 60 ટકા ફરિયાદો માત્ર પૂર્વ વિસ્તારની જ જોવા મળી છે.
તેવી જ રીતે બિસમાર રોડ અંગે શહેરભરમાંથી કુલ 7585 જેટલી ફરિયાદો મળી હતી. આ કુલ ફરિયાદોમાંથી 55 ટકા ફરિયાદો માત્ર પૂર્વ વિસ્તારની જ મળી છે. જેમાં સૌથી વધુ મધ્ય ઝોનમાં 1138 ફરિયાદ, પૂર્વ ઝોનમાં 984, ઉત્તર જોનમાં 986 અને દક્ષિણ ઝોનમાં 1101 ફરિયાદો મળી હતી.
એટલે એક તરફ મ્યુનિ દ્વારા રસ્તા બનાવ્યા બાદ તેની ડિફેક્ટ લાયેબલીટી રાખવામાં આવતી હોવાના દાવા કરવામાં આવે છે. પરંતુ અહીંયા તો સામાન્ય વરસાદમાં ઠેર ઠેર તુટી જતાં રસ્તા અને ભૂવા પડવાની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે જવાબદાર કોન્ટ્રાકટરો સામે કેમ પગલાં ભરાતા નથી તે સવાલ લોકોમાં ઉઠવા પામ્યો છે.