ગેરકાયદે બાંધકામ કરનારાને ફરિયાદીનું નામ આપી દેવાય છે
3થી 4 કોર્પોરટરે ટીપી કમિટીની બેઠકમાં હૈયાવરાળ ઠાલવી
શહેરમાં દબાણ અને ગેરકાયદે બાંધકામની કોર્પોરેટર જો ફરિયાદ કરે તો મજૂરો અને અધિકારીઓ કાર્યવાહી કરવા જાય તે પહેલાં જ દબાણ કરનારા ફરિયાદીનું નામ આપી દેતા હોય છે. ટીપી કમિટીની બેઠકમાં 3થી 4 કોર્પોરેટરે હૈયાવરાળ ઠાલવી હતી. આ મામલે કમિટીએ આ પ્રકારે કામ કરનાર અધિકારી-કર્મચારી સામે પગલા લેવાનો નિર્દેશ આપ્યો છે.
ટીપી કમિટીમાં એક કોર્પોરેટરે ગંભીર ફરિયાદ કરી હતી જેમાં તેમણે જણાવ્યું કે, શહેરમાં ગેરકાયદે બાંધકામ, દબાણો મામલે કોઈ કોર્પોરેટર ફરિયાદ કરે તો તે ફરિયાદ બાબતે બાંધકામ કરનારને જાણ થઈ જાય છે. એટલું જ નહીં કોણે ફરિયાદ કરી તેનું નામ પણ ખબર પડી જાય છે. આ બાબત ખૂબ જ ગંભીર હોવાની ચર્ચા થઇ હતી.
ઉલ્લેખનીય છેકે, અગાઉ પૂર્વ ઝોનમાં દબાણની ગાડીના મજૂરો દબાણ હટાવવા માટે જે વિસ્તારમાં જાય તે વિસ્તારમાં પહેલાથી વોટ્સએપ પર ગ્રૂપમાં મેસેજ નાંખી દબાણ કરનારને એલર્ટ કરી દેતા હતા. તે રીતે કોર્પોરેટરનું નામ પણ કહી દેવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. જેથી ઝોન કે વોર્ડમાં ફરજ બજાવતા હોય એવા તમામ મજૂરોની બદલી કરાઈ હતી. આ મામલે તપાસ કરવા અને જવાબદાર સામે પગલા લેવા કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતાએ નિર્દેશ આપ્યો છે. 3થી વધુ કોર્પોરેટરે આ મામલે ફરિયાદ કરી હતી.