આનંદનગરમાં ઔડાનાં મકાનમાં રહેતા લોકો સાથે ‘આપ’ પણ જોડાઈ
લોકોએ હોબાળો કર્યા પછી પોલીસે આવીને તપાસ કરી તો કશું ન મળ્યું
જોધપુરમાં ઔડાના મકાનમાં ગટર, પાણી અને ગંદકીની સમસ્યાના નિરાકરણ માટે રહીશોએ મંગળવારે રાત્રે મહિલા કોર્પોરેટરને બોલાવ્યાં હતાં. અને ત્યાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાની ફરિયાદ કરીને કચરાના ઢગલામાં પડેલી પોટલીઓ બતાવી હતી. આ મુદ્દે રહીશો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ચક્કાજામ કર્યો હતો.
મહિલા કોર્પોરેટર પ્રવીણાબહેન પટેલ ત્યાં પહોંચ્યા ત્યારે રહીશો સાથે આપના કાર્યકરો પણ હતા. તેમણે સમસ્યાનો મુદ્દો બાજુએ રાખીને ઔડાના મકાનમાં દારૂ વેચાતો હોવાની ફરિયાદ કરી હતી. સૂત્રોચ્ચાર કરીને કોર્પોરેટરને કચરના ઢગલામાં દેશી દારૂની ખાલી કોથળીઓ બતાવી હતી.
પ્રવીણાબહેને કંટ્રોલ રૂમમાં ફોન કરતાં આનંદનગર પોલીસ આવી હતી. જોકે પોલીસે કરેલી તપાસમાં દારૂનું વેચાણ ન થતું હોવાનું બહાર આવતાં આનંદનગર પીઆઇ બી. કે, ભારાઈએ કહ્યું કે કોઈ જનતા રેડ કરવામાં આવી નથી. જ્યારે દેશી દારૂ વેચાતું હોવાની રજૂઆતના આધારે ત્યાંના 4 મકાનમાં તપાસ કરવામાં આવી હતી પરંતુ તેમાંથી કશું પણ મળ્યું નહોતું.