બે કલાક સુધી ભારે જહેમત બાદ સગીરની ભાળ મુળી
વટવા વિસ્તારમાં રહેતા એક પરિવારના એક સગીરને રમવા બાબતે માતા અવારનવાર ઠપકો આપતી હોઈ કંટાળીને સગીર ઘરેથી કોઈને કશું કહ્યા વિના નીકળી ગયો હતો. આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામા આવતા પોલીસે ગંભીરતા પારખીને સગીરને ગણતરીના કલાકોમાં શોધીને પરિવારને સોંપી દીધો હતો.
આ સાથે પોલીસે પરિવારને સંતાનોને પ્રેમપૂર્વક શિખામણ આપવાની ભલામણ કરી મામલો થાળે પાડયો હતો.બનાવની વિગત એવી છે કે, વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક નાગરીક ગુરુવારે ગભરાયેલી હાલતમાં પોલીસ સ્ટેશને આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી કે તેમના સગીરવયના દિકરાને તેની માતાએ રમવા બાબતે ઠપકો આપતા રિસાઈને તે ઘરેથી કયાંક ચાલ્યો ગયો છે. આ બનાવને ગંભીરતાથી લઈને એસીપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વટવા પીઆઈ પી બી ઝાલા અને પીએસઆઈ કુલદીપ પટેલની ટીમે કામગીરી શરૂ કરી હતી.
જેના ભાગરૂપે પોલીસે સગીર ગુમ થયો તેવિસ્તાર તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી ચેક કરવાનુ શરુ કર્યુ હતુ. બીજી બાજુ પોલીસે સોશીયલ મીડીયામાં સગીરના ગુમ થવા અંગે મેસેજ મુકીને વાયરલ કર્યો હતો. આ સાથે જે તે વિસ્તારના હ્યુમન સોર્સને એકટિવ કરીને સગીરની ભાળ મેળવવા માટે સધન પ્રયાસો હાથ ધર્યા હતા. અંતે બે કલાકની જહેમત બાદ પોલીસને સગીરની ભાળ મળી જતા તેને ગુરુપ્રસાદ ચાર રસ્તા પાસેથી શોધી કાઢ્યો હતો.સગીરનો કબજે માતાપિતાને સોંપતા ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.