વટવાના વેપારીએ પુત્રના ધંધા અને બીમાર પત્નીના ઈલાજ માટે ફાઈનાન્સર પાસેથી રૂ.8 લાખ લીધા હતા
શહેરના વટવા વિસ્તારમાં વૃદ્ધ વેપારીએ દિકરાને ધંધા તેમજ બીમાર પત્નીની સારવાર માટે એક ફાઈનાન્સર પાસેથી રૂ. આઠ લાખ મકાન ગીરવે મુકીને લીધા હતા. દરમિયાન પત્નીનુ અવસાન થતા થોડો સમય વ્યાજ ભરવામાં ચુક થતા ફાયનાન્સર દ્વારા મકાન પચાવી પાડવાની દાનતથી નોટીસ આપતા વૃદ્ધના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.આ સંજોગોમાં વૃદ્ધે ઉચ્ચ પોલીસ અધિકારીનો સંપર્ક કરી મદદ માંગતા પોલીસે ફાયનાન્સરની મકાન પચાવી પાડવાની દાનત પર પાણી ફેરવી દઈ પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્રને સાર્થક કર્યુ હતુ.
વટવા વિસ્તારમાં રહેતા વૃદ્ધ વેપારી ભરતભાઈ પટેલ(ઉ.85) ના પુત્ર મિતેષને ગેરેજના ધંધા માટે તેમજ તેમની બિમાર પત્નીના ઈલાજ માટે રૂપિયાની જરૂર પડતા વસ્ત્રાલમાં ઓફિસ ધરાવતા દાદા ફાયનાન્સ કોર્પોરેશનના અશ્વિન નાનજીભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. જયાં ફાયનાન્સરે ભરતભાઈના મકાનનો વેચાણ કરાર અને ભાડા કરાર કરાવી લઈ આશરે સાડા ચાર લાખ રૂપિયા વ્યાજ લીધું હતુ. થોડા સમય સુધી ભરતભાઈએ વ્યાજ ચુકવ્યુ હતુ.
દરમિયાન તેમની પત્નીનુ અવસાન થતા તેઓ વ્યાજની રકમ ભરી શકયા નહતા. આ સ્થિતિનો લાભ લઈ અશ્વિન પટેલ દ્વારા 50 લાખ રૂપિયા જેટલી માતબર રકમના મકાનનો કબજો લેવા માટે નોટીસ આપી હતી. જે જોઈને ભરતભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ સ્થિતિમાં તેમણે અશ્વિન પટેલને મળીને બાકીના રૂપિયા આપીને મકાનનો વેચાણ કરાર અને ભાડા કરાર રદ કરવા વિનંતી કરતા તમારે જયાં જવુ હોય ત્યાં જાવ કહીને તેમની વાત કાને ધરી નહતી.
ભરતભાઈએ જે ડીવીઝન એસીપી પ્રદિપસિંહ જાડેજાને મળીને સમગ્ર હકીકત જણાવતા તેમની લેખિત રજુઆત લઈને બનાવ રામોલ વિસ્તારનો હોવા છતાં હદના વિવાદમા પડયા વિના નાગરીકને મદદ કરવાની નિતિ અપનાવી એસીપી જાડેજાએ વટવા પીઆઈ પી બી ઝાલા અને પીએસઆઈ અશ્વિન ગંધા ની ટીમને ફાઈનાન્સર અશ્વિન પટેલને બોલાવી પૂછપરછ કરવા સુચના આપી હતી. આ તરફ પોલીસની દરમિયાનગીરીથી ફાયનાન્સર ઢીલો પડી ગયો હતો અને વૃદ્ધનો વેચાણ તેમજ ભાડા કરાર રદ કરી દેવાની તૈયારી બતાવી હતી. ત્યારબાદ ફાયનાન્સર દ્રારા બાકીના રૂપિયા પરત આપતા અરજદારની દિકરીના નામે વેચાણ કરાર કરી દેવાતા વૃદ્ધ વેપારીએ હાશકારો અનુભવ્યો હતો. આમ પોલીસે એક પરિવારના વડીલોપાર્જીત મકાનને બચાવી પોલીસ પ્રજાની મિત્ર હોવાના સૂત્રને સાર્થક કરી પ્રશંસનીય કામ કર્યું છે.