રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઈને મહિલાની ફરિયાદ ન નોંધવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાણીપમાં સસ્તા અનાજની દુકાન ધરાવનારી મહિલાને કેટલાક લોકોએ દુકાન તોડી નાખવા માટે ધમકીઓ આપી હતી. રોજબરોજની ધમકીઓથી કંટાળીને મહિલા આ લોકો સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ગઈ હતી. તેણે રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઈ બી. ડી. ગોહિલને મળીને રજૂઆત કરી હતી, જે સાંભળીને પીઆઈ ઉશ્કેરાઈ ગયા હતા અને આ બધી ફરિયાદો લઈને આવવાનું નહિ કહીને મહિલાને કાઢી મૂકી હતી. મહિલા બેથી ત્રણ વખત રાણીપ પોલીસ સ્ટેશન ગઈ હતી. પરંતુ તેની રજૂઆત સાંભળવામાં આવી ન હોવાથી અંતે તેણે પોલીસ કમિશનર જી. એસ. મલિકને મળીને સમગ્ર બાબતની રજૂઆત કરી હતી. આથી પોલીસ કમિશનરે આ મામલે રાણીપ પોલીસને ફરિયાદ નોંધાવા આદેશ કર્યો હતો, પણ તેમ છતાં પીઆઈ બી. ડી. ગોહિલે ફરિયાદ નોંધી ન હતી. પોલીસ કમિશનરે બે વખત જાણ કર્યા છતાં પીઆઈ ગોહિલે ફરિયાદ નોંધી ન હોવાથી મંગળવારે પોલીસ કમિશનર જી. એસ. મલિકે રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઈ બી.ડી.ગોહિલને સસ્પેન્ડ કર્યા હતા.
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, કોઈ પણ અરજદાર રજૂઆત કરવા આવે તો તેની રજૂઆત સાંભળીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. જો કોઈ પણ પોલીસ કર્મચારી અરજદાર સાથે અભદ્ર વર્તન કરશે અથવા તો યોગ્ય કાર્યવાહી નહીં કરે તો તેને છોડવામાં આવશે નહીં.