મકાનમાલિક છ માસથી ધક્કા ખવડાવતા પોલીસનો સંપર્ક કર્યો
બેંક ઓફ અમેરીકાના આઈટી પ્રોફેશનલે મણિનગરમાં એક મકાન રૂ.9 હજારના ભાડે રાખ્યુ હતુ જોકે સંજોગોવસાત તેઓ ગાંધીનગર રહેવા માટે જતા રહ્યા હતા. આ સ્થિતિમાં તેમનો મકાનમાલિક તેમણે આપેલી ડિપોઝીટ પાછી નહી આપી છ મહિનાથી ધક્કા ખવડાવતો હતો.આ અંગે તેમણે જે ડીવીઝન એસીપીનો સંપર્ક કરતા પોલીસે મકાનમાલિક સામે ગુનો નોંધવાની તૈયારી બતાવતા આઈટી પ્રોફેશનલને તેણે ડિપોઝીટ પાછી આપી દીધી હતી. આમ પોલીસે નાગરીકને ત્વરીત મદદ કરી પોલીસ પ્રજાની મિત્ર એ સૂત્ર સાર્થક કર્યુ હતુ.
બિહાર પટણાના મોહિત પ્રકાશ સંજયકુમાર સિંહા બેંક ઓફ અમેરીકામાં આઈટી પ્રોફેશનલ તરીકે કામ કરે છે. હાલમાં તેઓ કામસર ભારત રહેતા હોઈ બે વર્ષ પહેલા મણિનગરમાં જયેશભાઈ નાણાંવટીનુ મકાન રૂ. 9 હજારમાં ભાડે રાખ્યુ હતુ.
ગાંધીનગર શીફટ થવાનુ થતા મકાન ખાલી કર્યું હતુ, પરંતુ મકાન ભાડે લેતી વખતે આપેલી ડિપોઝીટ મકાનમાલિક પાસે માંગતા છ મહિના સુધી ધક્કા ખવડાવીને હેરાન કરતા હતા. અંતે કંટાળીને મોહિત પ્રકાશ સિંહાએ એસીપી પ્રદિપસિંહ જાડેજા( જે ડીવીઝન)નો નંબર ઓનલાઈન મેળવીને તેમનો સંપર્ક સાધી સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરીને ડિપોઝીટની રકમ પરત અપાવી હતી.