સરખેજની આફરીન વિલા સોસાયટીમાં પાર્ક ગાડીમાંથી 91 બોટલ પકડાઈ
પોલીસને શંકા ન જાય એટલે સોસાયટીની ખુલ્લી જગ્યામાં ગાડી પાર્ક કરતો હતો
ગાડીના એન્જિનની આજુબાજુમાં ગુપ્ત ખાના બનાવીને રાજસ્થાનથી તેમાં દારૂ છુપાવીને લાવીને હોમ ડિલિવરીમાં ગ્રાહકોને વેચતા બુટલેગરની સરખેજ પોલીસે ધરપકડ કરી હતી. ફતેવાડી આફરીન વિલા સોસાયટીમાં આવેલા બુટલેગરના મકાન સામે પાર્ક કરેલી કારમાંથી દારૂ- બીયરની 91 બોટલો પકડાઈ હતી. પોલીસે દારૂ તેમજ કાર કબજે કરી બુટલેગરને ઝડપી લીધો હતો. સરખેજ – ફતેવાડીમાં આવેલી આફરીન વીલા સોસાયટીમાં રહેતા જમીલખાન પઠાણે(45) કારના એન્જિનની આજુબાજુમાં ગુપ્ત ખાના બનાવીને દારૂ બીયરની બોટલ-ટિન છુપાવી રાખી હતી. જરૂરિયાત મુજબ તે કાયમી ગ્રાહકોને હોમ ડિલિવર માટે દારૂ- બીયરની બોટલ – ટિન કાઢીને વેચતો હતો. આ માહિતી સરખેજ પીઆઈ આર.કે.ધુળિયાને મળી હતી. જેના આધારે તેમણે સ્ટાફ સાથે દરોડો પાડયો હતો. ત્યારે જમીલખાન પઠાણના મકાનની સામે સોસાયટીની ખુલ્લી જગ્યામાં તેની કાર પાર્ક કરેલી હતી. પોલીસે તે કારની તલાસી લેતા તેમાંથી દારૂની બોટલ અને ટિન મળીને 91 બોટલ (કિંમત રૂ.39,615) મળી આવ્યા હતા. પોલીસે કાર તેમજ દારૂ સહિત કુલ રૂ.1.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જમીલખાન રાજસ્થાનમાં કોની પાસેથી દારૂ લાવતો હતો અને અમદાવાદમાં કોને કોને દારૂ વેચતો હતો. તે દિશામાં સરખેજ પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી.