કેમિકલ લાવ્યા બાદ ટ્રાન્સપોર્ટના માલિકની દાનત બગડી
પોલીસે બેની ધરપકડ કરી 50.15 લાખનો મુદામાલ કબજે કર્યો
ઓઢવ વિસ્તારમાં કેમિકલની ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરી તેના સ્થાને પાણી ભરી દેવાનુ કૌભાંડ પોલીસે ઝડપી પાડયુ છે. આ મામલે પોલીસે ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક સહિત બે ની ધરપકડ કરી રૂ. 50.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ઓઢવના ક્રિશ્ના એસ્ટેટમાં સેવક ટ્રાન્સપોર્ટ એન્ડ સર્વિસ કંપનીના માલિકને ગત 7 જુલાઈએ સાંતેજમાં રહેતા વેપારીએ કલોલમાં થી કેમિકલ લઈ આવવાનો ઓર્ડર આપ્યો હતો. ત્યારબાદ ટ્રાન્સપોર્ટ માલિક ગુરમીત સિંગે ટ્રકમોકલીને કંપનીમાં થી કેમિકલ મંગાવતા બીજા દિવસે કેમિકલ ભરેલી ટેન્કર ઓઢવમાં આવેલી ટ્રાન્સપોર્ટ કંપનીમાં આવી ગયું હતું.
કેમિકલ ભરેલ ટેન્કર આવતાજોઈને ટ્રાન્સપોર્ટકંપનીના માલિક અને કર્મચારીની દાનત બગડી અને ટેન્કરમાં થી બારોબાર કેમિકલની ચોરી કરવાનો પ્લાન ઘડી નાંખ્યો હતો. ત્યારબાદ ડ્રાઈવરને ટેન્કર ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં પાર્ક કરવાનું કહીને ઘરે જતો રહેજે તને તારો ભાગ મળી જશે કહીને બંને આરોપીઓએ પ્રવાહી કોસ્ટીક સોડાથી ભરેલા ટેન્કરમાં પ્લાસ્ટિકની પાઈપ નાંખીને બીજા ખાલી ટેન્કરમાં કેમિકલ ભરવાનું શરુ કર્યું હતું.
બીજીતરફ અન્ય એક પાણીથી ભરેલી ટેન્કરમાં થી ઇલેક્ટ્રિક મોટર વડે પાણી કેમિકલની ટેન્કરમાં નાંખવાનું શરુ કરી દીધું હતું. પ્રવાહી કોસ્ટીક સોડાથી ભરેલી ટેન્કર અડધી ખાલી થઇ હતી ત્યાં ઓઢવ પોલીસની ટીમ ત્રાટકી અને બે ટેન્કર સહીત કુલ રૂ.50.15 લાખના મુદ્દામાલ સાથે કેમિકલની ચોરી કરતા ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક ગુરમીતસિંગ પાલસીંગ મહાર (ઉં.57 રહે વસ્ત્રાલ માધવ બંગ્લોઝ), ઈન્દ્રજીત સિંગ રણધીરસિંગ જાટ (ઉ.32 રહે,ઓઢવ રિંગ રોડ)ની ધરપકડ કરીને ફરાર ડ્રાઈવર બળદેવ ભાઈની શોધખોળ શરૂ કરી છે.