અગાઉ ATSએ 63 આરોપીની ધરપકડ કરી 92 હથિયાર, 400થી વધુ કારતૂસ જપ્ત કર્યાં હતાં
નાગાલેન્ડ – મણિપુરના નકલી હથિયાર લાઇસન્સના આધારે રિવોલ્વર-પિસ્ટલ સહિતનાં હથિયારો ખરીદીને ગુજરાતમાં સપ્લાય કરવાના કૌભાંડમાં એટીએસએ વધુ સાત આરોપીની ધરપકડ કરી છે. આ પહેલાં 63 આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી 92 હથિયાર અને 400 કારતૂસ જપ્ત કરાયાં હતાં. જ્યારે પકડાયેલા વધુ સાત આરોપી પાસેથી વધુ સાત હથિયાર કબજે કરવા પોલીસે તજવીજ શરૂ કરી છે.
આમ આ કૌભાંડમાં પોલીસે 100 હથિયાર કબજે કરી 70 આરોપીની ધરપકડ કરી હતી. નાગાલેન્ડ-મણિપુરમાં ३२४ બજાવી ચૂકેલા આર્મીના જવાનોના નામે નકલી હથિયાર લાઇસન્સ કઢાવીને તે હથિયાર ગુજરાતમાં વેચવાનું કૌભાંડ એટીએસએ ત્રણ મહિના પહેલાં પકડયું હતું પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પકડાયેલા સાતેય માણસો પાસેથી હથિયાર કબજે કરવાનાં બાકી છે, પરંતુ આ સાતેયે બનાવટી લાઇસન્સના આધારે હથિયાર ખરીદ્યાં હોવાથી તેમની પાસેથી વધુ સાત હથિયાર મળે તેવી શક્યતા છે. જ્યારે આગામી દિવસોમાં આ કૌભાંડમાં વધુ ધરપકડ થવાની શક્યતા પોલીસે નકારી નથી.
હથિયાર 5થી 15 લાખમાં ખરીધાં હતાં
કૌભાંડની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે,જે પણ લોકોએ નકલી લાઇસન્સના આધારે હથિયાર ખરીદ્યાં હતાં, તેમને લાઇસન્સ તેમ જ હથિયાર સાથેનું પેકેજ આપવામાં આવતું હતું. તેમાં તેમને રૂ. 5 લાખથી રૂ.15 લાખમાં લાઇસન્સ સાથે હથિયાર આપવામાં આવ્યાં હતાં.
કાર્યક્રમોમાં હવામાં ગોળીબાર કરતા હતા
હથિયારો સાથે પકડાયેલા મોટા ભાગના આરોપીઓ રોફજમાવવા લટકાવીને ફરવા માટે હથિયાર લાવ્યા હતા. જ્યારે અમુક ડાયરા સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં હવામાં ગોળીબાર કરવા માટે હથિયાર લાવ્યા હતા. જ્યારે કેટલાંક જમીન, મકાન, કોલ સેન્ટર, હવાલાના રેકેટના ધંધા કરતા ગુનેગારોની સુરક્ષા માટે ખરીદાયાં હતાં.