
300થી વધુ પોલીસના કાફલાએ સર્ચ કર્યું
શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસે ઓપરેશન નોક નોક હાથ ધરીને વટવા ચાર માળીયામાં આવેલા તમામ બ્લોકમાં મધરાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમાં 400થી વધુ વાહનો અને મકાનો સહિતની જગ્યાએ તપાસ કરીને પોલીસે હથિયારના-7 કેસ, ગેરકાયદે મકાનનો કબજો કરીને રહેવા સહિતના કેસ કરીને તપાસ હાથ ધરી છે.
વટવા ચાર માળીયામાં છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો અો જમાવી રહ્યા હોવાની બૂમ ઉઠી હતી. જેને ધ્યાને રાખીને ઝોન-6 ડીસીપી ભગીરથ ગઢવી. એસીપી યુવરાજસિંહ ગોહિલે ઓપરેશન નોક નોક અંતર્ગત પોલીસે મંગળવારે વહેલી સવારે ત્રણથી છ વાગ્યા સુધીમાં વટવા ચાર માળિયા વિસ્તારમાં સર્ચ કર્યું હતું. ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિઓના ઘરે અને વાહનોની વિગતવાર તપાસ કરી હતી. આ તમામ લોકો જ્યારે ઊંઘતા હતા ત્યારે જ સમગ્ર ઝોન-6નો 300 લોકોનો કાફલો ઘુસી ગયો હતો. સમગ્ર ચાર માળિયા વિસ્તાર કોર્ડન કરીને જાણીતા ગુનેગારો. બુટલેગરો, નાર્કોટિક્સ તથા શરીર સંબંધી ગુના કરવાની ટેવ વાળા કુલ 100 જેટલા આરોપીઓના ઘર અને વાહનોની તપાસ કરી હતી. જેમાં પોલીસે સાત લોકોને હથિયાર સાથે જ્યારે મકાનનો કબ્જો કરીને રહેતા સાત લોકોને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.