પુત્રને મળી દંપતી વટવાથી નિકોલ ઘરે જવા રિક્ષામાં બેઠાં હતાં
નિકોલમાં રહેતા વૃદ્ધ દંપતિ વાપીમાં રહેતા પુત્રને મળી વટવા રેલવે સ્ટેશને ઉતરીને શટલરિક્ષામાં બેસીને ઘરે પરત ફરતુ હતુ ત્યારે શટલરિક્ષા ગેંગે તેમને નિશાન બનાવીને છ તોલાના દાગીના ભરેલુ બોકસ ચોરી લીધુ હતુ. આ અંગે વૃદ્ધે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નિકોલમાં સરસ્વતી પાર્કમાં રહેતા હંસરાજ બાલચંદ્ર છીપા. (6.77) તથા તેમના પત્ની કૈલાશબેન બંને વાપીમાં રહેતા તેમના પુત્ર દેવેન્દ્રકુમારને મળવા માટે ગયા હતા. ગત તા 24 જુને વાપીથી રાતના સાડા નવ વાગે વટવા રેલવે સ્ટેશને ઉતર્યા હતા. ત્યારબાદ પતિ-પત્ની રિક્ષામાં બેસી ઘરે આવવા માટે નીકળ્યા ત્યારે કૈલાશબેન પાસે કાળા કલરની બેગ હતી જેમાં છ તોલાના અલગ અલગ દાગીના ભરેલુ બોકસ હતુ.
દરમિયાન રિક્ષાચાલકે બીજા પેસન્જરોને પણ બેસાડયા હતા. કૈલાશબેન પાછળ બેઠા હતા દંપતિને ઘરે ઉતારવાની જગ્યાએ તેમને ખોડીયાર નગર ચાર રસ્તા પાસે ઉતારી રિક્ષાચાલક નીકળી ગયો હતો. ત્યારબાદ બીજી રિક્ષા કરી ઘરે ગયા બાદ કૈલાશબેને બેગ ખોલીને જોતા તેમાં મુકેલુ દાગીનાનુ બોકસ જણાયુ નહતુ. આ અંગે હંસરાજભાઈએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.