વટવા પોલીસમાં જમાઇ સામે સાસુની ફરિયાદ
શહેરના નવાપુરા વટવા ખાતે રહેતા 55 વર્ષિય મહેરુનિશા શેખ તેના દીકરા અને પરિવાર સાથે રહે છે. આજથી ત્રણ વર્ષ અગાઉ મહિલાની દીકરીના લગ્ન જુહાપુરા ખાતે રહેતા અલ્લાઉદ્દીન મણિયાર સાથે કરાવ્યા હતા. બાદમાં જાણવા મળ્યું કે તેમનો જમાઈ દારુનો ધંધો કરે છે. જેથી પત્ની, સાળા અને સાસુએ પણ જમાઈને સમજાવ્યા પણ તે કોઈની વાત માનવા તૈયાર ન હતા. પંદર દિવસ અગાઉ પત્નીએ તેના પતિને દારૂનો ધંધો છોડી દેવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ પત્નીએ તેના પતિ વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવી હતી.
ત્યારે ગત 10 માર્ચના રોજ રાત્રીના સુમારે આરોપી અલ્લાઉદ્દીન વટવા નવાપુરા ખાતે આવેલા તેની સાસરીમાં ગયો અને તમારી દીકરીએ મારા વિરુધ જે અરજી કરી છે તે પાછી ખેંચી લો નહી તો સારું નહી થાય જેથી સાસુએ જમાઈને ધંધો છોડી દેવાનું જણાવતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ અને બાદમાં જમાઈએ સાસુને તલાવરના ત્રણ ઘા મારીને દીધા હતા. આ સમયે બુમાબુમ થતા આસપાસના લોકો ભેગા થઇ જતા આરોપી અલ્લાઉદ્દીન મણીયાર નાસી ગયો હતો. આ મામલે સાસુએ વટવા પોલીસમાં જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.