
જશોદાનગરની ઘટનામાં મૃતકના પરિવારને વળતર આપવા કોંગ્રેસની માગ
રૂ. 10 લાખની માંગણી ન સંતોષાતા જશોદાનગરમાં દુકાન તોડવા મામલે મહિલાએ કરેલા આત્મવિલોપન બાદ મ્યુનિ. વિરોધપક્ષના નેતા શહેજાદખાન પઠાણે મેયરને આપેલા આવેદનપત્રમાં 4 લાખ જેટલી માતબર રકમ તોડ પેટે લેનાર અધિકારીઓ કે પછી ભાજપના કોર્પોરેટર સામે પગલા લેવા તેમજ મૃતકના પરિવારને રૂ. 10 લાખ વળતર પેટે ચૂકવવા માટે માગ કરી છે.
જશોદાનગરમાં જયશ્રી કોમ્પ્લેક્સમાં 14 ઓગસ્ટે એસ્ટેટ ખાતાએ હાથ ધરેલી ડિમોલેશનની કામગીરીમાં દુકાનમાલિક નર્મદાબેને કરેલા આત્મવિલોપન મામલે વિપક્ષી શહેજાદખાન પઠાણે રેલી યોજી જવાબદારો સામે પગલા લેવા મ્યુનિ. સમક્ષ માગ કરી હતી. તેમણે રજૂઆત કરી કે, ૩ દિવસની સારવાર બાદ નર્મદાબેન મૃત્યુ પામ્યા છે. એસ્ટેટ વિભાગે માલિકો પાસેથી રૂ. 10 લાખની રકમ લઇ ગયેલા હોવાનો આક્ષેપ મૃતકના પરિવારજનો કરી રહ્યા છે. આ રકમ લીધા બાદ પણ ડિમોલેશન કરવા માટે ટીમ આવી હતી.મ્યુનિ.એ તમામ હદ વટાવી હવે હત્યારાની ભૂમિકા ભજવી છે. જ્યારે આ મામલે એવા પણ આક્ષેપ થઇ રહ્યા છેકે, પરિવારજનોએ અગાઉ જ્યારે દુકાન તોડવા માટે તંત્રની ટીમ આવવાની હતી ત્યારે એક કોર્પોરેટર સાથે રૂ. 4 લાખમાં આ કામગીરી અટકાવી હતી.