અમદાવાદના પ્રભારી અગ્ર સચિવ મુકેશકુમારે અધિકારીઓને સૂચના આપી
ઓબ્ઝર્વેશન બાદ બિલ્ડિંગ નબળી દેખાશે તો સ્ટ્રક્ચર સ્ટેબેલિટી રિપોર્ટ કરાવવામાં આવશે
ગંભીરા બ્રિજની ઘટના બાદ અમદાવાદની તમામ સરકારી સ્કૂલો, હોસ્પિટલ, પીએચસી, સીએચસી સહિત તમામ સરકારી બિલ્ડિંગના બાંધકામની સ્થિતી અંગેની માહિતી એકઠી કરાશે. જો કોઇ બિલ્ડિંગનું બાંધકામ જૂનું અથવા મરામત કરાવવા જેવું હશે તો આ બિલ્ડિંગના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાશે. જો બિલ્ડિંગમાં કામગીરી કરવા યોગ્ય નહીં હોય તો એ બિલ્ડિંગના બંધ કરાશે. અમદાવાદના પ્રભારી મુકેશ કુમારે શહેરના દરેક વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી, જેમાં સૂચના અપાઈ છે અને આવનારા એક અઠવાડિયામાંબિલ્ડિંગનો રિપોર્ટ કલેક્ટર મારફતે મુકેશકુમાર સુધી પહોંચશે.હાલમાં દરેક સરકારી બિલ્ડિંગો, બ્રિજ, ઇમારતો, ઓફિસો, સરકારી વસાહતો સહિતની જગ્યાઓ પર જે તે વિભાગના અધિકારીઓ દ્વારા ચકાસણી કરાઈ રહી છે.
સ્કૂલ, આંગણવાડી સહિતીની એવી જગ્યાઓ કે જ્યાં બાળકો જોડાયેલા હોય તેવી જગ્યા પર ખાસ તપાસ કરવા કહેવાયું છે. ગ્રામ્ય વિસ્તારની ઇમારતોની પણ તપાસ કરવાના આદેશ છે, પંચાયત કચેરી, આંગણવાડી સહિતની જગ્યાઓની ચકાસણી કરી લેવાની સૂચના અપાઇ છે. આવનારા એક અઠવાડિયામાં તપાસ કરીને રિપોર્ટ સોંપાશે. જે બિલ્ડિંગને રિનોવેટ કરવાની જરૂર હશે તેનો હાલ પૂરતો વપરાશ બંધ કરી રિનોવેટ કરવાની પ્રક્રિયા શરૂ કરાશે.
ફૂડ અને પાણીની ચકાસણી પણ કરવામાં આવશે
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ઈમારતોની ચકાસણી સાથે ફૂડ અને પાણીના પણ ટેસ્ટ કરવાની સૂચના અપાઈ છે. કારણ કે હાલમાં વરસાદની સિઝન ચાલી રહી છે. આ સ્થિતિમાં કોઇ કાર્યક્રમ દરમિયાન ખોરાક કે પાણી દ્વારા પણ કોઇ દુર્ઘટના ન બને તે માટે પણ તપાસ કરવા જણાવાયું છે. જેથી પાણીના સેમ્પલ અને ફૂડના સેમ્પલ પણ લેવાઈ શકે છે.