મ્યુનિ. કમિશનરે ઢોર ત્રાસ અંકુશ વિભાગને કડક કાર્યવાહી કરવા કહ્યું
CCTVમાં ઝડપાયેલાં ઢોરની સ્થળ તપાસ કરી લાઈસન્સ રદ કરાશે
હાઈકોર્ટના આદેશ બાદ મ્યુનિ.એ રસ્તે રઝળતાં ઢોરનો ત્રાસ દૂર કરવા માટે ઢોર પોલિસી અમલમાં મૂકી હતી. જો કે થોડો સમય માટે શહેરમાંથી ઢોરનો ત્રાસ ઓછો થયો હતો. પરંતુ હવે ફરીથી એસજી હાઈવે, નવા વાડજ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં રસ્તે રઝળતાં ઢોર જોવા મળી રહ્યા છે. મ્યુનિ કમિશનરે ઢોર ત્રાસ અંકુશ વિભાગના અધિકારીઓને કડક કાર્યવાહી કરવા કહ્યું છે.
મોટેરા ગામ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, નવા વાડજ, ચાંદખેડા આઈઓસી રોડ, માનસરોવર રોડ, સ્નેહ પ્લાઝા રોડ, ડી-કેબિન, નરોડા, નિકોલ, વિરાટનગર, ઘાટલોડિયા, એસજી હાઈવે, જનતાનગર, બલોલનગર, વિજયનગર ક્રોસ રોડ, સૈજપુર બોઘા સહિતના વિસ્તારોમાં ફરીથી રખડતાં ઢોર જોવા મળી રહ્યા છે. શહેરમાં અનેક જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા છે. તેના આધારે જે પણ જગ્યાએ રખડતાં ઢોર દેખાય તો સીએનસીડી વિભાગે કાર્યવાહી કરવાની રહેશે.
કામગીરીના ફોટો-વીડિયો અપલોડ કરવા સૂચના અપાઈ
મ્યુનિ. કમિશનરે સીએનસીડી વિભાગના કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓએ શિફ્ટ પ્રમાણે ફરજિયાત ઓનલાઇન હાજરી પૂરવાની રહેશે. સાથે જ મ્યુનિ.ની એપ્લિકેશનમાં ફોટા અને વીડિયો પણ અપલોડ કરવાના રહેશે. ઢોર પકડવા જતી વખતે ફરજિયાત કેમેરાનો ઉપયોગ કરવાનો રહેશે અને તેની ફીડ બીજા દિવસે જમા કરાવવાની રહેશે.