ગતિશીલ ગુજરાતની વાતો વચ્ચે મેગાસિટી અમદાવાદમાં જ માર્કેટ બનાવવાના કામની ગતિ અટકી
શહેરના વટવા વોર્ડના ન્યુ લાંભા વિસ્તારમાં મ્યુનિ દ્વારા શાકમાર્કેટ બનાવાનું કામ ગત માર્ચ 2024થી શરૂ કરાયું હતું. પરંતુ આ કામની ફાઈલ ટલ્લે ચડી હોવાના લીધે છેલ્લા 6 મહિનાથી માર્કેટ બનાવાનું કામ બંધ પડયું છે. એક તરફ ગતિશિલ ગુજરાતની વાતો કરતાં સરકારી તંત્રના શાસનમાં શહેરનાં એક શાકમાર્કેટનાં કામની ગતિ જ અટકી ગઈ છે. ત્યારે માર્કેટનું કામ ક્યારે ગતિશીલ બનશે કે પછી ગોકળગાયની ગતિમાં કામ થશે ? તેવો સવાલ ચર્ચાનો વિષય બન્યો છે.
અશોક ભટ્ટ પાર્ટી પ્લોટની પાસે 4775 સ્કવેર મીટર જગ્યાના પ્લોટમાં માર્કેટનું 50 ટકા કામ પૂર્ણ
આ અંગે મ્યુનિ.ના વર્તુળોમાંથી જણાવ્યા મુજબ, વટવા વોર્ડના ન્યુ લાંભા વિસ્તારમાં માર્ચ-2024 માં પુજા રેસીડેન્સીની પાસે અંદાજીત ૩ હજાર સ્કવેર મીટરના પ્લોટમાં મ્યુનિ દ્વારા શાકમાર્કેટ બનાવવા રૂ.1.72 કરોડના ખર્ચે કામ કોન્ટ્રાકટરને સોંપાયું હતું. ત્યારે પ્રાથમિક તપાસ બાદ આ જગ્યાએ શાકમાર્કેટ બની શકે તેમ ન હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જેના લીધે મ્યુનિ.એ અશોક ભટ્ટ પાર્ટી પ્લોટ નજીક જ 4775 સ્કવેર મીટરનો પ્લોટ શાકમાર્કેટ બનાવવા કોન્ટ્રાકટરને સોંપાયો હતો. જેમાં પ્લોટ ફેરની સાથે જગ્યામાં વધારો થતાં ખર્ચની રકમમાં પણ વધારો થઈ ગયો હતો.
ત્યારે કોન્ટ્રાકટર દ્વારા માર્ચ 2024થી કામગીરી શરૂ કરીને સપ્ટેમ્બર 2024 સુધી કામગીરી પૂર્ણ કરવાનું આયોજન કરાયું હતું. પરંતુ મ્યુનિ સમગ્ર કામગીરીની ફાઈલ ટલ્લે ચડાવી દેવાઈ હોવાના લીધે કોન્ટ્રાકટર દ્વારા સપ્ટેમ્બર મહિનાથી કામગીરી બંધ કરી દેવાઈ છે. એટલે હાલમાં 50 ટકા જેટલું માર્કેટની કામગીરીપૂર્ણ થઈ ગઈ છે. પરંતુ હજુ બાકીની કામગીરી અધુરી પડી છે. બીજી તરફ ન્યુ લાંભા વિસ્તાર ડેવલપ થતો વિસ્તાર છે ત્યાં રોડ પર શાકભાજી અને ફુટની લારીઓ લાગતી હોવાના લીધે રસ્તો સાંકડો થયો હોવાની ફરિયાદો ઊઠી રહી છે. ત્યારે માર્કેટ બને તો રસ્તા પરનો ટ્રાફિક હળવો થાય તેમ છે.