પાણી ભરાતા બાળકોને શાળાએ જવામાં હાલાકી
શહેરના નારોલના રંગોલીનગર પાસે પાણીની લાઈનમાં જ ભંગાણ પડતાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ઉપરાંત ખરાબ રોડમાં પાણી ભરાયેલા હોવાથી શાળાએ જતાં બાળકોને પણ હાલાકી ભોગવવી પડી છે.
આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, નારોલના રંગોલીનગરમાં આવેલા મહાદેવ નગર શ્રીજી કૈલા સ્કૂલની બહાર રોડ બહુ જ ખરાબ છે. ઉપરાંત ત્યાં પાણીની લાઈનમાં ભંગાણ થવાથી રોજ પાણી લીકેજ થાય છે. તેના લીધે સમગ્ર રોડમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે તકલીફ પડે છે. તેમજ સ્કૂલે જતાં આવતા વિદ્યાર્થીઓ અવારનવાર પડી જતાં હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. એટલે બાળકોને શાળાએ અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે.