વટવા જીઆઇડીસી વિસ્તારમાં અસામાજીક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો હોવાનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. અહીંએક વેપારીએ બુટલેગરની ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો વિરોધ કરતા અને દુકાન ખાલી કરાવતા તેની અદાવત રાખીને બુટલેગરના ભાઈ સહિત ત્રણ શખ્સોએ વેપારી પર જીવલેણ હુમલો કરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર વિંઝોલ વિસ્તારમાં રહેતા અને ઈલેક્ટ્રીક કામ કરતા જયસીંગ રાજપૂતે અગાઉ અમરાઈવાડી વિસ્તારમાં બુટલેગર સત્યા ઉપાધ્યાયની દુકાન ભાડે આપી હતી. જોકે, સત્યા દ્વારા દુકાનમાં ગેરકાયદેસર તથા અસામાજીક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાથી જયસીંગે તેને આ પ્રવૃત્તિઓ બંધ કરવા કહ્યું હતું. તેમ છતાં સત્યા સુધર્યો ન હોવાથી લગભગ દોઢ મહિના પહેલા જયસીંગે દુકાન ખાલી કરાવી હતી.થોડા સમય બાદ સત્યા ઉપાધ્યાય દારૂના કેસમાં ઝડપાયો હતો. જેના કારણે સત્યા અને તેના પરિવારજનોને શંકા હતી કે જયસીંગે પોલીસને બાતમી આપીને તેને પકડાવ્યો છે. આ શંકાની અદાવતમાં ગત 7 જાન્યુઆરીએ જયસીંગ પોતાની દુકાન પાસે હાજર હતા ત્યારે સત્યાનો ભાઈ મનોજ ઉપાધ્યાય. ભરત અને રોશન રાજપૂત ત્યાં પહોંચ્યા હતા.
મનોજ ઉપાધ્યાયે “તું મારો ભાઈ દારૂ વેચે છે તેની પોલીસને બાતમી આપી પકડાવ્યો” કહીને બિભત્સ ગાળો બોલી ઝઘડો શરૂ કર્યો હતો. થોડી જ વારમાં ત્રણેય શખ્સોએ લોખંડની સ્ટીકથી જયસીંગને ફટકારી ઇજા પહોંચાડી હતી. એટલું જ નહીં. છરી કાઢીને ત્રણેયએ જાનથી મારી નાખવાની ધમકી આપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.આ મામલે ત્રણેય સામે ફરિયાદ નોંધાવી છે.







