દેશવાસીઓ સાથે આતંકી વ્યવહાર, માલવાહક વિમાનમાં લવાયા
અમેરિકાએ યોગ્ય કર્યુ તેવું ભાજપના વિદેશમંત્રીનું વલણઃ કોંગ્રેસ
અમેરિકાથી 104 ભારતીયાઓને પરત લઈને આવનાર યુએસ આર્મીનું વિમાન બુધવારે પંજાબના અમૃતસર આવી પહોંચતા ભારતીયોએ જે વ્યથા વર્ણવી તે વ્યથાના ઘેરાપ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડયા છે. આ બાબતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલે કહ્યું હતું કે, આપણા ગુજરાતીઓને કે દેશવાસીઓ સાથે કોઈ દેશ આતંકવાદીની જેમ વર્તે તે કોઈપણ સંજોગોમા સાખી લેવાઈ નહીં અને આપણે એક થઇને અમેરિકા સામે લાલ આખ કરવી જોઈએ. તેમણે આ બાબતે ભારતના વિદેશ મંત્રીના નિવેદનની ટીકા કરતા કહ્યું કે, વિરોધ પક્ષ સરકાર કડક વલણ દાખવે તે માટે સહકાર આપવા તૈયાર હતું, પણ ભાજપની કેન્દ્ર સરકારે તો જાણે આપણી સાથેનો વ્યવહાર યોગ્ય હતો તેવું નિવેદન આપીને અમેરિકાના પગલાને યોગ્ય ઠેરવ્યું હતું.
ગોહિલે કહ્યું હતુ કે, આપણા ગણ્યાગાંઠિયા નાગરિકોનું નહીં, ભારત માતાનું અપમાન છે. સમગ્ર દેશનું અપમાન છે. આવી ઘટનામાં વિરોધ પક્ષ [હોય કે સત્તાપક્ષ બધાએ એક થઈને વિશ્વસત્તા સામે પણ લડવું જોઈએ. ભારતીયો જાણે આતંકવાદીઓ હોય તેમ હાથકડી અને પગમાં બેડીઓ પહેરાવીને એક વિમાનમાં લાવ્યા હતા.
આ વિમાન આર્મીનું માલસામાન લઇ જવાનું વિમાન હતું અને તેમાં ભારતીયોને લાવવામાં આવ્યા હતા.જે ભારતીયો આવ્યા તેમાં 33 ગુજરાતીઓમાં આપણી બહેનો-દિકરીઓ પણ હતી અને આ બહેનો અને દિકરીઓને અમેરિકા હાથકડી પહેરાવીને લાવ્યું હતું.આવા વલણ સામે વિરોધ પક્ષ પણ ભાજપની કેન્દ્ર સરકારને ટેકો આપવા તૈયાર હતી. સહકાર આપવા તૈયાર હતી,પણ ભાજપની કેન્દ્ર સરકાર પાણીમાં બેસી ગઇ હતી. વિદેશ મંત્રીએ કડક વલણ દાખવવાને બદલે ઉલટાનું અમેરિકાએ કયું છે તે બરાબર છે અને આપણે તે પ્રકારના વર્તનને યોગ્ય હતા તેવું નિવેદન આપીને વિરોધ પક્ષને પણ ચોંકાવી દીધો હતો.