બાથરૂમની બારીના કાચ હટાવી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા
પોલીસે આસપાસના સીસીટીવી ફુટેજ મેળવી તપાસ આદરી
ઘોડાસરમાં રહેતા એક વેપારી પરિવાર સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે વતન ગયા હતા.આ તકનો લાભ લઈ તસ્કરોએ તેમના ઘરમાંથી રોકડા રૂ.પાંચ લાખ અને દાગીના મળી કુલ રૂપિયા 20 લાખની મતાની ચોરી કરી હતી.
ઘોડાસરમાં પ્રેસ્ટીજ બંગ્લોઝમાં રહેતા મહેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલ વટવામાં પ્લાસ્ટીકની ફેકટરી ધરાવીને વેપાર કરે છે.ગત શુક્રવારે બપોરે તેઓ સહપરિવાર રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે તેમના વતન કાવઠ ગામે ગયા હતા.દરમિયાન રવિવારે તેમના પાડોશીનો તેમની પર ફોન આવ્યો હતો કે ઘરમાં ચોરી થઇ હોય તેમ લાગી રહ્યું છે તમે જલ્દીથી ઘરે આવી જાઓ. આથી તાત્કાલિક મહેન્દ્રભાઈ તેમના દીકરા અને પરિવારના સભ્યોને લઈને ઘોડાસર આવી ગયા હતા.
ઘરે આવીને જોયું તો બાથરૂમની બારીનો કાચ પણ નહોતો અને પાછળનો દરવાજો જે ખુલ્લો હતો તેમાંથી પ્રવેશ કરીનેજોયું તો ઘરમાં રહેલા સામાન વેર વિખેર હાલતમાં પડેલો હતો. બીજા માળના રૂમમાં જઈને તપાસ કરી તો લાકડાના કબાટ તિજોરી અને તેની અંદરના લોકર ખુલ્લા હતા. લોકરમાં મુકેલા ધંધાના રોકડા રૂપિયા પાંચ લાખ અને 15 લાખ રૂપિયાના દાગીના ગાયબ હતા. આ અંગે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ટાબરિયા ગેંગની સંડોવણી હોવાની આશંકા
ઘરફોડચોરી કરતી ગેંગમાં નાના બાળકોનો ઉપયોગ કરી તેમને બાથરૂમની કાચની બારી તોડી અંદર ઉતારી મુખ્ય દરવાજો કે પાછળનો દરવાજો ખોલાવી ઘરમાં ચોરી કરવાની ટેવ ધરાવતી ગેંગ ગુનાખોરીની દુનિયામાં પ્રચલિત છે. આ ઘટનામાં આવી જ ટાબરીયા ગેંગની સંડોવણી હોવાની પોલીસને આશંકા છે..