
ફરિયાદ નોંધાવ્યાની ગણતરીના કલાકોમાં પોલીસે ગુનો ઉકેલ્યો
શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલી એક ફેકટરીમાંથી લેડીઝ શુટના 300 નંગ ચોરી કરનારી ત્રિપુટીની દાણીલીમડા પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી રૂ. 90 હજારનો મુદામાલ કબજે કર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, જમાલપુરમાં રહેતા મુસેબભાઈ સોજતવાલા બહેરામપુરા ગુલાબનગર રોડ પર કાપડની ફેક્ટરી ધરાવીને વેપાર કરે છે. ગત તા 19મી તેઓ નિત્યક્રમ મુજબ સવારે 11 વાગે ફેકટરીએ આવીને ફરતા હતા. આ દરમિયાન કાચા લેડીઝ પંજાબી શુટનો માલ જોતા હતા તે વખતે કુલ 300 નંગ પંજાબી શુટ કિંમત રૂ. 90 હજારના ગુમ થયાનુ ખુલ્યુ હતુ. આ અંગે મુસેબભાઈએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યકિત સામે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.
દાણીલીમડા પોલીસે ચામુંડાનગરની ચાલી, દાણીલીમડામાં રહેતા ઈરફાન સીરાજભાઈ અજમેરી અને અમન ઈમરાનભાઈ અજમેરી અને અલ્તાફ પીરમોહંમદ શેખની ધરપકડ કરી ચોરી કરેલા 300 નંગ લેડીઝ શુટ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.