નિત્યક્રમ મુજબ કર્મચારી બેંકમાં રૂપિયા ભરવા જતો હતો
વટવામાં પાર્લરના વકરાના રૂપિયા બેંકમાં જમા કરાવવા ગયેલા કર્મચારી યુવકને ધોળેદિવસે બાઈક પર આવેલા અજાણ્યા શખ્સો ચપ્પુ બતાવી રોકડા રૂ 3.50 લાખ ભરેલી બેગ લુટી ફરાર થઈ ગયા હતા. આ મામલે પાર્લર માલિકે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટનાસ્થળની આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવીને લુંટારૂઓનુ પગેરુ દબાવવાની તજવીજ હાથ ધરી છે.
વટવામાં રહેતા મૂળ બિહારના રાજેશભાઈ પટેલ ડેરીપાર્લર તેમજ ગારમેન્ટની દુકાન ધરાવીને વેપાર કરે છે. સામાન્ય રીતે રાજેશભાઈડેરી પર આવતો દુધનો માલ પહોચાડયા બાદ સવારે રૂપિયાનુ કલેકશન કરીને તેમની ગારમેન્ટની દુકાનમાં કામ કરતા સુમિત ભરવાડને આપતા હતા. સુમિત રૂપિયા લઈને વટવામાં આવેલી બેંકમાં જમા કરાવવા જતો હતો. બુધવારે પણ આ જ પ્રમાણે રાજેશભાઈએ ગત 30 જુલાઈએ રાજેશભાઈ કુલ રૂ. 3.50 લાખ ઉઘરાવીને સુમિત ભરવાડને કાળા કલરની બેગમાં આપ્યા હતા અને બેન્કમાં જમા કરાવવા મોકલ્યો હતો. થોડીવારમાં જ સુમિત ભરવાડ ગભરાયેલો દુકાને આવ્યો અને રાજેશભાઈને કહેવા લાગ્યો કે હું જયારે બેંકમાં રૂપિયા ભરવા જતો હતો ત્યારે મહાદેવપુરા ત્રણ રસ્તા પાસે એક પલ્સર બાઈક પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતી અને ચપ્પુ બતાવીને ધમકી આપીને મારી પાસે રહેલું રૂપિયાથી ભરેલું બેગ લૂંટીને ફરાર થઇ ગયા હતા.
રાજેશભાઈ વાત જાણીને સુમિતને લઈને તાત્કાલિક મહાદેવપુરા ત્રણ રસ્તા પાસે પહોચ્યા હતા અને હકીકત જાણ્યા બાદ સમગ્ર મામલે રાજેશભાઈએ પોલીસને જાણ કરી હતી. બીજી બાજુ વટવા પોલીસની ટીમ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અજાણ્યા બાઈક ચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.ધોળેદિવસે થયેલી લુંટની ઘટનામાં સંડોવાયેલા લુંટારુઓને ઝડપવા માટે પોલીસે ઘટનાસ્થળની આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવીને લુંટારુઓનુ પગેરુ દબાવવાની તજવીજ હાથ ધરી છે. લુંટની ઘટનામાં કોઇ જાણ ભેદુ હોવાની પોલીસને આશંકા છે.