[બાળકી આવાસો પાસેની ખુલ્લી જગ્યામાં રમતાં રમતાં ખાડામાં પડી ગઈ હતી]
તપાસમાં કોન્ટ્રાક્ટરની જવાબદારી જણાશે તો કાર્યવાહી કરવામાં આવશેઃ પોલીસ
શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા ઇડબલ્યુએસ મકાનો જર્જરિત થતાં મ્યુનિ. દ્વારા તે તોડવામાં આવી રહ્યા છે ત્યારે આ સ્થળે ખોદેલા ખાડામાં એક બાળકી પડી ગઈ હતી, જેમાં પાણી હોવાથી તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
આ બાબતે તેના પિતાએ પોલીસને જાણ કરી હતી. બીજી તરફ આ સ્થળે ખાડો ખોદનાર કોન્ટ્રાક્ટરની જવાબદારી નક્કી થશે તો જવાબદાર સામે પગલાં લેવાશે. આ અંગેની વિગત એવી છે કે, શહેરના વટવા વિસ્તારમાં આવેલા છાપરામાં રહેતી એક બાળકી સોમવારે સાંજે રમતાં રમતાં પાણી ભરેલા ખાડામાં પડી ગઈ હતી. ઘણા સમયથી બાળકીને ન જોતાં પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. આ શોધખોળ દરમિયાન આવાસ યોજનાના મકાનોની પાસે ખોદેલા ખાડામાં ઊતરીને તપાસ કરતા બાળકી મળી આવી હતી. આ બાબતે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. આ સ્થળે ખાડો કેમ ખોદવામાં આવ્યો તે બાબતે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી તેમ જ ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલે તપાસ કરી જવાબદાર સામે પગલા લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 12 વર્ષ પહેલાં વટવા વિસ્તારમાં કરોડોના ખર્ચે બનાવેલા આવાસો જર્જરિત થઈ ગયા હોવાથી અમદાવાદ મ્યુનિ.એ તે તોડી નાખવાની કામગીરી શરૂ કરી હતી, જે દરમિયાન આ ખાડો ખોદવામાં આવ્યો હતો.