નિકોલ પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ
જર, જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું કહેવતને સાર્થક કરતો એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. નિકોલમાં પતિના અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સબંધોની જાણ થતાં દંપતિ વચ્ચે ઝઘડા થતાં હતા. વારંવાર પતિને આ સમજાવવા છતાં નહીં માનતા કંટાળીને પરિણીતાએ બે માસ અગાઉ એસીડપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. અંતે પરિણીતાનું સારવાર દરમિયાન મોત થતાં તેના ભાઈએ બનેવી સામે નિકોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ગોમતીપુરમાં રહેતા 24 વર્ષીય ઋત્વિક પરમારની મોટી બહેનના કૃત્વિક લગ્નના વર્ષ 2023માં નિકોલમાં રહેતા દિપેન વણસોલા સાથે થયા હતા. લગ્નના દોઢક વર્ષ સુધી દંપતી વચ્ચે સારા સંબંધો હતા. બાદમાં પરણીતાનો પતિ ઓછુ કમાતો હોવાથી પતિએ પત્નીને નોકરી કરવાની ફરજ પાડતા યુવતી પણ કારખાનામાં નોકરી કરવા લાગી હતી. થોડા મહિના બાદ યુવતીના પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધ હોવાની જાણ થતા દંપતી વચ્ચે આ વાતને લઈને અવારનવાર ઝઘડા થતા હતા.
ગત ફેબ્રુઆરી મહિનામાં રાતે પતિ તેની પત્નીની હાજરીમાં અન્ય સ્ત્રી સાથે વિડીયો કોલમાં વાત કરતો હતો. અને આ વાતનો પત્ની વિરોધ કર્યો તો તેની સાથે મારઝૂડ કરીને છુટાછેડા આપવાની ચીમકી આપીને પિયર મૂકી આવ્યો હતો. બાદમાં સમાધાન થતાં પતિ તેની પત્નીને ઘરે પાછો લઈ ગયો હતો. ત્યારબાદમાં પણ પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખતો હોવાનું પત્નીને માલુમ પડતા બંને વચ્ચે ઝઘડો અને તકરાર થતા રહેતા હોવાથી આખરે કંટાળીને પરિણીતાએ ગત 29 જુને સાંજના સમયે નિકોલ સાસરીમાં જ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
પરિણીતાની બે મહિના સુધીની લાંબી સારવાર બાદ ગત ૩ ઓગસ્ટના રોજ તેનું મોત નિપજ્યું હતું. એટલે પરિણીતાના ભાઈએ બનેવી દિપેન કુમાર વણસોલા વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં દુષપ્રેરણાની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો છે. ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે.