સાણંદના 2 શખ્સે આપેલી 27 નકલી નોટ મહિલા પાસેથી મળી
ફતેવાડીમાં પતિ તેમજ 2 દીકરી સાથે રહેતી મહિલા 500ના દરની 27 બનાવટી ચલણી નોટ સાથે પકડાઈ છે. આ મહિલા દુકાનોમાં, રેકડી ઉપર, નોટો વટાવતી હતી. એસઓજીની ટીમે મહિલાને ઝડપી લીધી હતી. જો કે આ મહિલાને બનાવટી નોટ આપી જતા સાણંદના 2 માણસને પકડવા પોલીસે તજવીજ શરૂ કરી હતી.
એસઓજીના પીઆઇ વી. એચ. જોશીએ ફતેવાડી કેનાલ પાસેની ઝિન્નત રેસિડેન્સીમાં રહેતી સમરાખાન સમીરખાન પઠાણને પકડી લીધી હતી. પોલીસે સમરાખાનની પૂછપરછ કરતા તેને આ બનાવટી ચલણી નોટ વટાવવા માટે સાણંદનો અજય અને ઉસ્માન આપી ગયા હતા. જેથી પોલીસે તે બંનેને પકડવા તજવીજ શરૂ કરી હતી.
એક જ સિરીઝની નોટોથી ભાંડો ફૂટયો
પોલીસનું કહેવું છે કે સમરાખાન પાસેથી જે નકલી નોટો મળી છે. તેમાં એક જ સિરીઝની ૩ નોટ, એક સિરીઝની 5 નોટ મળી આવી હતી. જો કે એક જ સિરીઝની નોટ તે બજારમાં વટાવવા જતી હોવાથી ભાંડો ફૂટયો હતો. જો કે સમરાખાને આ પહેલા પણ કેટલી નોટ મંગાવી હતી તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી હતી.
કલર પ્રિન્ટર મશીનમાં છાપ્યાની શંકા
પોલીસનું કહેવું છે કે સમરાખાન પાસેથી જે બનાવટી ચલણી નોટો કબજે કરવામાં આવી હતી એ નોટની પ્રિન્ટિંગ ક્વોલિટી ખૂબ જ સારી હતી. આથી નોટ ઝેરોક્સ મશીનમાં છાપવામાં આવી નથી પરંતુ કલર પ્રિન્ટિંગ મશીનમાં નોટ છાપવામાં આવી હોવાની આશંકા છે.