પોલીસે નિકોલમાં રહેતા 25 વર્ષના આરોપીની ધરપકડ કરી
દિલ્હી દરવાજા પાસે શનિવારે વહેલી સવારે પોણા સાત વાગ્યાના સુમારે 49 વર્ષીય સફાઈ કર્મી મહિલા ડાહીબેન પ્રહલાદભાઈ ચૌહાણ નિત્યક્રમ મુજબ મસ્ટરમાં સહી કરવા જઇ રહ્યા હતાં. એ વખતે દિલ્હી દરવાજા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલ ટક્કર મારતા ગંભીર ઈજાના કારણે તેમનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન રવિવારે મોત નીપજતાં સફાઇ કર્મીઓમાં રોષ ફાટી નિકળ્યો હતો. અને સફાઈકર્મીઓ રવિવારે કામકાજ થી અળગા રહ્યા હતાં. આ બનાવ અંગે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને નિકોલમાં રહેતા 25 વર્ષીય શંશાક રાઈની ધરપકડ કરી હતી.
દરિયાપુર વાલ્મિકી વાસમાં રહેતી 25 વર્ષીય નિકિતા ચૌહાણે કારચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.ડી.પટેલે જણાવ્યું હતું કે, દરિયાપુર વાલ્મિકી વાસમાં રહેતા 49 વર્ષીય ડાહીબેન ચૌહાણ તેમના નિત્યક્રમ મુજબ માધવપુરામાં મસ્ટરમાં હાજરી ભરવા તેમના ઘરેથી વહેલી સવારે નિકળ્યા હતાં. અને તેઓ ચાલતા-ચાલતા આનંદ ભુવન પાસે બી.આર.ટી.એસ. ક્રોસ કરીને જતા હતાં. ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલ આઈ-20ના કાર ચાલકે ડાહીબેનને ટક્કર અડફેટે લેતા તેમને મોઢા અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે બી.આર.ટી.એસ.ની રેલિંગ સાથે કાર અથડાતા કારચાલક કાર મુકીને ભાગી ગયો હતો.
ગંભીર રીતે ઈજા પામેલા ડાહીબેનને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતાં. અને તેમનું સારવાર દરમિયાન રવિવારે મોત નિપજયું હતું. જે અંગે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. અને નિકોલમાં આવેલ કૈલાશ સોસાયટીના 70 નંબરના મકાનમાં રહેતા 25 વર્ષીય શંશાક રાઈની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી કાર ચાલક પ્રહલાદનગર પાસે આવેલ એક ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. અને શુક્રવારે ઓફિસમાં નાઇટની નોકરી કરીને પોતાના ઘર તરફ જઇ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.