યુવકે ઓનલાઈન સર્ચ કરતા સાઇબર ગઠિયો ભટકાઈ ગયો
જીએસટીના રૂપિયા માગતાં છેતરપિંડી થયાની જાણ થઇ
દાણીલીમડામાં રહેતા યુવકને ઠંડા પીણાની ડિલરશીપ લેવા માટે ઓનલાઈન સર્ચ કરતા તેને ડીલરશીપ આપવાના બહાને ગઠીયાએ રજિસ્ટ્રેશન અને ઓર્ડર વગેરેના બહાને કુલ રૂપિયા 2.75 લાખ લઈને વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હતી.
દાણીલીમડામાં રહેતા મોહંમદ અયાન શેખને ઠંડાપીણાની ડીલરશીપ લેવાની ઈચ્છા હોઈ તેમણે ગુગલ સર્ચ એન્જીન પર સર્ચ કરીને ફોર્મ સબમીટ કર્યુ હતુ. થોડીવારમાં તેમના પર એક શખ્સનો ફોન આવ્યો હતો જેણે કંપનીના એકઝીકયુટીવ હોવાની ઓળખ આપી હતી અને પ્રથમ લોકેશન ચેક કર્યા બાદ રજીસ્ટ્રેશન ફી પેટે રૂ. 25 હજાર ભર્યા બાદ જ ડીલરશીપ મળી શકશે તેવી વાત કરી હતી.
જેથી મોહંમદ અયાને ગુગલ પેથી અજાણ્યા શખ્સે આપેલા બેંકખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ તેને રજીસ્ટ્રેશનની ફી ની રિસીપ્ટ આવતા તે વાંચીને તેમને વધુ વિશ્વાસ આવી ગયો હતો. દરમિયાન તેમના નામે કન્ફમેશન ડીલરશીપ તેમજ એગ્રીમેન્ટ તથા સર્ટિફિકેટ તતા રજીસ્ટ્રેશન વગેરની વિગતો હોઈ તેમને રજીસ્ટ્રેશન પુરુ થઈ ગયાનુ કહીને પ્રોડકટ માટેનો ઓર્ડર આપવાનુ કહેતા મોહંમદ અયાને રૂ. 2.50 લાખના ઠંડાપીણાનો ઓર્ડર આપ્યો હતો અને આરટીજીએસથી રૂપિયા મોકલી આપ્યા હતા.
જો કે ત્યારબાદ તેમને જીએસટી પેટે રૂ. 80 હજારની ચુકવણી કર્યા બાદ જ ડીલીવરી થઈ શકશે તેમ કહેતા તેમણે ના પાડી હતી. ત્યારબાદ તેમને ઠંડાપીણાની હેડ ઓફિસમાંથી બોલતા હોવાનુ કહીને ડીલરશીપ માટેના કન્ફર્મેશન વિશે પુછી જીએસટી ભરવાનુ કહી ડીલીવરી કરવાનો ઈન્કાર કરી વધુ પૈસાની માંગણી કરતા શંકા જતા તેમણે સાયબર ક્રાઈમ માં ફરિયાદ કરી હતી.
આ મામલે હવે દાણીલીમડા પોલીસમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવાઈ છે.