13 વહીવટદારની જિલ્લા બહાર બદલી થઈ
અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનના 13 વહીવટદારની ડીજીપી એ જિલ્લા બહાર બદલી કરી હતી. જો કે તેમણે ડીજીપીના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેની સામે ડીજીપી એ તે તમામની અપ્રમાણસર મિલકતોની તપાસ શરુ કરી હતી. જેથી વહીવટદારોએ કેસ પાછો ખેંચી લીધો હતો. જ્યારે 13 પૈકીના 4 વહીવટદાર મંજુરી વગર વિદેશ પ્રવાસ કરી આવ્યા હોવાનું ધ્યાન ઉપર આવતા ડીજીપી એ તેમને સસ્પેન્ડ કર્યા હતા.
ડીજીપી વિકાસ સહાયે નવેમ્બર 2024 માં અમદાવાદના 13 વહીવટદારની જુદા જુદા જિલ્લાઓમાં બદલી કરી હતી. તેમાંથી 3 વહીવટદારે ડીજીપીના આદેશ ને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેથી ડીજીપી એ તે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને આ 13 વહીવટદારોની અપ્રમાણસર મિલકતોની તપાસ સોંપી હતી. એસએમસી એ તપાસ શરુ કરતાની સાથે જ હાઈકોર્ટમાં ગયેલા 3 વહીવટદારે કેસ પાછો ખેંચી લીધો હતો.
જ્યારે તેમની વિરુધ્ધની સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસ તો ચાલુ જ હતી. જેમાં તેમના પાસપોર્ટની માહિતી પણ એકત્રિત કરવામાં આવી હતી. જેની તપાસમાં હેડ કોન્સ્ટેબલ ફિરોજખાન પઠાણ ઉર્ફે ફિરોઝ તડતડ(બોટાદ). કોન્સ્ટેબલ હરવિજયસિંહ ચાવડા (અમરેલી), હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ ચૌહાણ(જામનગર) અને હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ દરબાર(જામનગર) છેલ્લા ૩ વર્ષમાં વિદેશ પ્રવાસ કરી આવ્યા હતા.
જેમાં ચારેય જણાં દુબઈ, નેપાળ, થાઈલેન્ડ ગયા હોવાનું જાણવા મળ્યું હતુ. જો કે તેમણે વિદેશ જતા પહેલા ઉપરી અધિકારીઓની લેખિતમાં મંજૂરી લીધી ન જે વાત ડીજીપી વિકાસ સહ ધ્યાન ઉપર આવતા તેમણે ચારેય પોલીસ કર્મચારી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા.