બાંધકામ ખસેડી 100 મીટરનો રસ્તો ખુલ્લો કરાયો
શહેરના પૂર્વ ઝોનમાં મ્યુનિ દ્વારા દબાણો ખસેડવાની કામગીરી અંતર્ગત ભાઈપુરા વોર્ડમાં ટી.પી રસ્તામાં બાંધકામ કરાયેલા પાંચ રહેણાંક મકાનોને તોડી પાડીને 100 મીટરનો રસ્તો ખુલ્લો કરાયો હતો. જ્યારે ઝોનના અન્ય વિસ્તારોમાંથી નડતરરૂપ પાંચ શેડ દૂર કરાયા હતા.
પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગે ભાઈપુરા વોર્ડમાં રાજેશ પાર્કથી ઈશ્વર પાર્ક સોસાયટી સુધીના 12 મીટરના ટી.પી રસ્તામાં આવતા બાંધકામોના માલિકોને નિયમો મુજબ સમયાંતરે નોટિસો ફટકારી હતી. ત્યારબાદ મંગળવારે તમામ વાંધાનો નિકાલ કરીને પાંચ રહેણાંક પ્રકાના દબાણો જેસીબી મશીનથી તોડી પાડીને આશરે 100 મીટરનો રસ્તો ખુલ્લો કર્યો હતો.
જ્યારે GSLSA ના રિપોર્ટમાં સુચવેલા પૂર્વ વિવિધ રસ્તા પરથી 2 નંગ કાચા શેડ અને બીઆરટીએસ રૂટ પરના 3 નંગ શેડ દૂર કર્યા હતા. જ્યારે જુદા જુદા વોર્ડમાં જાહેરમાર્ગો પર નડતરરૂપ 14 નંગ લારી, 55 બોર્ડ-બેનર અને 80 નંગ પરચુરણ માલસામાન જપ્ત કર્યો હતો. ઉપરાંત સી એન્ડ ડી વેસ્ટના રૂ.5 હજારનો દંડ ફટકારાયો હતો.