
વાહનચાલકો રોંગસાઈડમાં જતા અકસ્માતનો ભય
શહેરના અસલાલી ગામ પાસે મુખ્ય હાઈવેથી ગામ તરફ જવાના ગરનાળામાં છેલ્લા 15 દિવસથી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ગરનાળું બંધ થતાં વાહનચાલકોને રોંગસાઈડમાં વાહન હંકારવાની ફરજ પડે છે. ઉપરાંત રોડ પર સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના કારણે અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. એટલે તાકિદે પાણી ઉલેચીને ગરનાળુ ફરીથી ચાલુ કરવા લોકો માંગણી કરી રહ્યા છે.
આ અંગે નારોલ-અસલાલી ટોલ રોડ પર અસલાલી ગામ પાસે નાના વાહન ચાલકોને રસ્તો ઓળંગવા માટે તંત્ર દ્વારા ગરનાળું બનાવામાં આવ્યું છે. પરંતુ વરસાદી ઝાપટાં પડયા બાદ તેમાંથી પાણી ઉલેચવાની તંત્ર દ્વારા વ્યવસ્થા નહીં હોવાથી વરસાદ બંધ થયા પછી પણ 15 દિવસ સુધી પાણી ભરાયેલા છે. જેના કારણે વાહનચાલકોને જીવનાં જોખમે રસ્તો ઓળંગવાની નોબત ઉભી થાય છે. હાલમાં પણ આ ગરનાળામાં પાણી ભરાઈ રહ્યું છે. આ અંગે રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરાતી નથી. ઉપરાંત આ રસ્તા પર સ્ટ્રીટ લાઈટોનાં પણ ધાંધિયા હોવાથી અકસ્માતો સર્જાયા કરે છે. તંત્ર દ્વારા ટેક્સ વસૂલવામાં જરા પણ કચાશ રખાતી નથી.