પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આદરી
વટવા વિસ્તારમાં બચુભાઈના કુવા પાસે આવેલા એટીએમમાં એક અજાણ્યા પુરૂષે રૂ. 30 હજારની બેટરીની ચોરી કરી હતી. આ અંગે કંપનીના ઝોનલ ઓપરેશન મેનેજરે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર પાલનપુરમાં રહેતા સિંધાર્થરાજ સિંગ ઈન્ડિયા વન પેમેન્ટ લિમિટેડ કંપનીમાં ઝોનલ ઓપરેશન મેનેજર તરીકે નોકરી કરે છે. ગત 20 જૂને તેઓ એટીએમના ચેકિંગ કરવા અડાલજ ગયા હતા. ત્યારે કંપનીના કર્મીએ તેમને ફોન કરીને જણાવ્યુ કે વટવામાં બચુભાઈ કુવા પાસે આવેલ કંપનીના એટીએમ મશીનમાંથી અજાણ્યો ચોર બેટરી ચોરીને જતો રહ્યો હતો.
જેથી સિધાર્થરાજ તાત્કાલિક વટવા પહોચ્યા હતા. ત્યાં જઈને જોયુ તો એટીએમ મશીનનો દરવાજો ખુલ્લો હતો. બાદમાં અંદર જતા એટીએમ મશીનનો પાછળનો દરવાજાનું લોક તૂટેલ હાલતમાં હતુ. જેથી મશીનમાં તપાસ કરતા તેમાંથી ચોર રૂ. 30 હજારની બેટરી ચોરીને જતો રહ્યો હતો. જોકે એટીએમના કેશ ડિપોઝીટ મશીન તેમજ વિડ્રોઅલ બોક્સની તપાસ કરતાં તેમાથી રોકડ રકમ સલામત જણાઇ આવી હતી.
જેથી સિંધાર્થરાજે તેમના ઉચ્ચ અધિકારીને આ અંગે જાણ કરી હતી. બાદમાં આ અંગે સિંધાર્થરાજે વટવા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ નોધાવતા પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના આધારે રૂપિયા ત્રીસ હજારની બેટરીની ચોરી કરનારની શોધખોળ શરૂ કરી છે.