સસ્તા દરે પર્સનલ લોન આપવાનુ કહી ઠગાઈ થતી હતી
એક આરોપીની ધરપકડ, અન્ય 3 વોન્ટેડ સામે તપાસ શરૂ
વિદેશી નાગરિકોને પર્સનલ લોન આપવાના કે ગિફ્ટના નામે છેતરપિંડી કરવાના કોલ સેન્ટર અનેકવખત પકડાયા છે પરંતુ રામોલ પોલીસે એક 20 વર્ષીય યુવકને પકડીને તેના ફોનમાં પાંચ એપ્લિકેશન દ્રારા અમેરીકન નાગરીકોને ઓછા વ્યાજે પર્સનલ લોન આપવાનુ કહીને છેતરપિંડી કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે.
આ કૌભાંડમાં અન્ય ત્રણ વ્યકિતઓ પણ સંડોવાયેલી હોવાનુ જાણવા મળતા પોલીસે ચાર વ્યકિત સામે ગુનો દાખલ કરી એક આરોપીની ધરપકડ કરી છે. રામોલ પોલીસે બાતમીના પગલે રામોલના દુર્ગાપાર્ક સોસાયટીમાં રેડ કરી ત્યાં રહેતા 20 વર્ષીય દેવાંગ ઠકકરની ધરપકડ કરી હતી. દેવાંગ તેના મિત્રો મારફતે મોબાઈલ ફોનમાં અલગ અલગ પાંચથી વધુ એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરીને અમેરિકન નાગરિકોના રૂપિયા પડાવતો હતો.ધ્રુવેશ તેની પાસેના બે મોબાઈલ ફોનમાં ઇન્સ્ટોલ કરેલી એપ્લીકેશન થકી વિદેશી નાગરિકોને ફોન કરતો અને સસ્તા વ્યાજદરથી લોન આપીએ છીએ તેમ કહીને જાળમાં ફસાવતો હતો.
ભણેલા ગણેલો ધ્રુવેશ ફાંકડું અંગ્રેજી બોલીને વિદેશીઓને વિશ્વાસમાં લઈ લેતો હતો. ત્યારબાદ લોન લેવા માટે તૈયાર થયેલા અમેરિકન નાગરિક પાસેથી લોન પ્રોસેસિંગનો ચાર્જ ભરવો પડશે તેમ કહીને 50થી 200 ડોલરની માંગણી કરીને રૂપિયા ખંખેરી લેવામાં આવતા હતા. અને વોલમાર્ટમાં થી લોનનું કાર્ડ મળી રહેશે તેમ કહીને કોલ કાપી નાંખવામાં આવતો હતો. હાલ આ મામલે રામોલ પોલીસે ધ્રુવેશ ઠક્કરની ધરપકડ કરીને આ કોલ સેન્ટર ચલાવવામાં સંડોવાયેલા અંકુર દેસાઈ, રજત પાંડે અને ચિરાગ ચૌહાણની સામે પણ ગુનો દાખલ કરી તપાસ આદરી છે.