મ્યુનિ કચેરીમાં જઈને લોકો મકાન ખાલી કરાવશે તો નિરાધાર થશે તેવી વ્યથા રજૂ કરી
શહેરના વિવિધ વિસ્તારોમાંથી વિસ્થાપિત થયેલા લોકોને વટવામાં આવાસો ફાળવાયા હતા. પરંતુ મ્યુનિ દ્વારા જર્જરિત મકાનો હોવાના નામે 3 હજાર મકાનો ખાલી કરવાની નોટિસ ફટકારી હતી. જેના પગલે સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો હતો. જેના પગલે સમગ્ર મામલે સ્થાનિકોએ મળીને મ્યુનિ.ની દક્ષિણ ઝોનની કચેરીએ જઈને પોતાની વ્યથા રજૂ કરીને મકાનો ખાલી કરાવશે તો ફરી તેઓ નિરાધાર થઈ જશે તેવી વાત મુકી હતી.જેના પગલે મ્યુનિ દ્વારા આ મામલે ઘટતી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.
મ્યુનિ અધિકારીએ સમગ્ર મામલે ઘટતી કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો
શહેરના સાબરમતી રિવરફ્રન્ટ, BRTS અને અન્ય શહેરી વિકાસ યોજનાઓ હેઠળ હજારો ગરીબ પરિવારોને શહેરના કેન્દ્ર સ્થાનમાંથી હટાવીને વર્ષ 2008 થી 2015 દરમિયાન વટવા વિસ્તારમાં આવેલા આવાસોમાં ફાળવીને પુનર્વસિત કરવામાં આવ્યા હતા. જેમાં વસંત ગજેન્દ્ર ગડકરનગર, શ્યામા પ્રસાદ મુખર્જીનગર, કુશાભાઉ ઠાકરેનગર, રેલવે સાઇડ હાઉસિંગ સ્કીમમાં લોકો વર્ષોથી રહે છે.
પરંતુ તાજેતરમાં મ્યુનિ.દ્વારા 3 હજારથી મકાનોને જર્જરિત હોવાના નામે નોટીસ ફટકારીને 7 દિવસમાં મકાનો ખાલી કરવા કહેવાયું હતું. જો કે નોટિસ આપવા માટે ન તો પુરતા ટેકનિકલ સર્વેના આધાર અપાયા હતા, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ નથી. તેમજ ગરીબ પરિવારોને ફરીથી વિસ્થાપિત કરવાના ભયમા મુકી દીધા હતા.
એટલે સામાજીક કાર્યકર સમસાદ પઠાણ અને ઈમ્તીયાઝ ખાન સાથે આ નોટીસ મળેલા પરિવારોએ મ્યુનિ.ની દક્ષિણ ઝોનની કચેરીમાં શાંતિપૂર્ણ રીતે તેમના જવાબો રજૂ કર્યા હતા.
જેમાં તેમનું ઘર મ્યુનિ.એ જ બનાવેલું છે. અમે ફરીથી વિસ્થાપિત થવા તૈયાર નથી, તેમને રહેવા યોગ્ય મકાન આપવામાં આવે અથવા મરાતમ માટે સમય આપવામાં આવે. 3 હજાર પરિવારોની રજૂઆતોને પગલે મ્યુનિ અધિકારીએ સમગ્ર મામલે AMC ફરી સર્વે કરવાની વાત જણાવી હતી, જ્યારે જર્જરિત મકાનોને ખાલી નહીં કરાય પણ રિપેર કરવાની નોટિસ અપાશે. આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.