પેસેન્જરો માટે કારચાલકો વચ્ચે ઘણા સમયથી ઘર્ષણ થાય છે
વડોદરા એકસપ્રેસ હાઈવે નજક ખાનગી વાહનચાલકો વચ્ચે પેસેન્જર ભરવા મામલે ચાલતી હુંસાતુસીમાં એક કારમાં પાઈપ અને દંડા લઈને આવેલા શખ્સોએ પાર્ક કરેલી એક કારના કાચ તોડી નાખ્યા હતા. આ અંગેનો વીડીયો વાયરલ થતા રામોલ પોલીસે ચાર શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.
રામોલ નજીક આવેલા સીટીએમ એકસપ્રેસ હાઈવેથી વડોદરા જવા માટે ઉભા રહેતા પેસેન્જરોને લેવા માટે ખાનગી વાહનચાલકોની લાંબી કતારો લાગે છે. જેમાં અંદરોઅંદરની હરિફાઈમાં ડ્રાઈવરો મારામારી અને વાહનમાં તોડફોડ કરીને પેસેન્જરોમાં ભય ફેલાય તેવુ વાતાવરણ ઉભુ કરતા હોવાની બૂમ છેલ્લા કેટલાય સમયથી ઉઠી હતી. આ સંજોગોમાં રવિવારે પેસેન્જર લેવા માટે ઉભેલા એક કારચાલકની કારને વડોદરા પાર્સીંગની કારમાં લોખંડની પાઈપો અને દંડા સાથે આવેલા શખ્સોએ તોડફોડ કરી નાસી છુટયા હતા.
આ ઘટના અંગેના સીસીટીવી અને વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. રામોલ પોલીસે ઝીણવટ પૂર્વક તપાસની શરૂઆત કરતા ઇન્સ્પેકટર વી.ડી.મોરી અને તેમની ટીમ સમક્ષ હકીકત સામે આવે કે ફરીયાદી હિતેશ ભરવાડના ડ્રાઈવરે શનિવારની સાંજે વડોદરાથી અમદાવાદ આવવા સારું પેસેન્જરની રાહ જોઈને ઉભો હતો. તે સમયે જયદીપ ચૌહાણ સાથે પેસેન્જર ભરવા મામલે માથાકૂટ થઈ હતી.
ત્યારે ડ્રાઈવર અત્તરસિંગે અમિત નગર સર્કલ પાસે જયદીપ ચૌહાણની ગાડીના કાચ ફોડીને નાસીને અમદાવાદ આવી ગયો હતો. ત્યારબાદ વળતો બદલો લેવા સારું જયદીપ ચૌહાણ અને તેની સાથે આવેલા લોકો લાકડીઓ અને લોખંડની પાઈપ લઈને આવ્યા અને હિતેશ ભરવાડની ગાડીના કાચ રવિવારના રોજ ફોડીને નાસી ગયા હતા. ત્યારે આ અંગે રામોલ પોલીસે જયદીપ ચૌહાણ (રહે,વડોદરા), સુનીલ ડાંગી (રહે,વડોદરા), અંકિત ડાંગી (રહે, વડોદરા),ભૂરિયો (રહે, વડોદરા) વિરુદ્ધ ગુનો નોંધીને તમામ આરોપીની શોધખોળ શરુ કરી છે. તેમજ 10 થી વધુ કાર ડીટેઈન કરીને માલિક સામે ગુનો નોંધ્યો છે.